Stock Market: બેન્ક શેરમાં વેચાણ વધતાં સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ ડાઉન

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઝડપથી તૂટ્યું હતું. વૈશ્વિક બજારમાં જોવા મળેલી વેચવાલી તથા ઈટાલીની ડેબ્ટ ક્રાઇસિસના પગલે બજારમાં તેની અસર જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૦૫ પોઇન્ટના ઘટાડે ૩૪,૭૪૩, જ્યારે એનએસઇ નિફ્ટી ૭૪ પોઇન્ટના ઘટાડે ૧૦,૫૫૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

જાહેર ક્ષેત્રની બેન્કના શેરમાં જોરદાર વેચવાલી નોંધાઇ હતી એટલું જ નહીં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના ઇન્ડેક્સમાં પણ અનુક્રમે ૦.૬૦ ટકા અને ૦.૫ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો.

આજે શરૂઆતે કોલ ઇન્ડિયાના શેરમાં ૨.૯૨ ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૨.૯૧ ટકા, પાવર ગ્રીડ કંપનીના શેરમાં ૧.૦૯ ટકાનો વધારો નોંધાયો હતો. બીજી બાજુ એક્સિસ, ટાટા મોટર્સ અને હિંદાલ્કો કંપનીના શેરમાં ૧.૯૮ ટકાથી બે ટકાનો ઘટાડો નોંધાયો હતો.

વૈશ્વિક ક્રૂડના ભાવ વધુ તૂટ્યાઃ ૭૫ ડોલરની નજીક
ક્રૂડનું ઉત્પાદન કરતા દેશોનાં સંગઠન ઓપેક અને રશિયા દ્વારા ક્રૂડના સપ્લાયમાં સુધારો થતાં ક્રૂડના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ ૦.૬૧ ટકાના ઘટાડે ૭૫.૦૩ ડોલર પ્રતિ બેરલ અને નાયમેક્સ ક્રૂડ ૦.૩૭ ટકાના ઘટાડે ૬૬.૪૮ ડોલર પ્રતિ બેરલની સપાટીએ જોવા મળ્યો છે. નોંધનીય છે કે ક્રૂડના ભાવ તાજેતરમાં જોવા મળેલી તેની ઊંચી સપાટીથી છ ટકાથી વધુ તૂટ્યા છે.

પીએસયુ બેન્ક શેરમાં જોરદાર વેચવાલી
એસબીઆઈ ૧.૨૮ ટકા રૂ. ૨૬૧.૬૦
બેન્ક ઓફ બરોડા ૦.૭૫ ટકા રૂ. ૧૩૯.૪૦
પીએનબી ૦.૨૯ ટકા રૂ. ૮૫.૪૦
કેનેરા બેન્ક ૧.૭૧ ટકા રૂ. ૨૫૨.૨૫
આઈઓબી ૧.૮૦ ટકા રૂ. ૧૬.૩૫
સિન્ડિકેટ બેન્ક ૧.૫૨ ટકા રૂ. ૪૮.૭૫

હેંગસેંગ શેરબજાર ઈન્ડેક્સ ૪૭૦ પોઈન્ટ તૂટ્યો
આજે એશિયાનાં મોટા ભાગનાં શેરબજાર ધડામ થઇ ગયાં હતાં. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૪૦૦ પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે હેંગસેંગ ઇન્ડેક્સમાં ૪૭૩ પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો. વૈશ્વિક બજારમાં જોવા મળેલી અનિશ્ચિતતા, ઇટાલીનું સંકટ તથા અમેરિકા ચીનથી આયાત થતી વધુ કેટલીક ચીજવસ્તુઓ પર આયાત ડ્યૂટી લાદે તેવી શક્યતાઓ પાછળ યુએસ સહિત એશિયાઇ શેરબજાર ઘટાડે ખૂલ્યાં હતાં. તાઇવાન શેરબજાર ઇન્ડેક્સ ૧૪૭ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ અને ચીનનો શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ રેડ ઝોનમાં જોવા મળ્યા હતા.

જિયો પોલિટિકલ ટેન્શનના પગલે યુએસ બજાર ઘટ્યાં
અમેરિકી શેરબજારમાં બેન્ક સહિત અને સેક્ટરના શેરમાં જોરદાર વેચવાલી નોંધાતા શેરબજાર છેલ્લે ૦.૫૦ ટકાથી ૧.૫૮ ટકાને સુધારે બંધ જોવા મળ્યું હતું. યુએસ ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૩૯૧ પોઇન્ટને ઘટાડે છેલ્લે ૨૪,૩૬૧ પોઇન્ટને મથાળે બંધ જોવા મળ્યો હતો. ઇટાલીમાં રાજકીય અનિશ્ચિતતાથી યુરો પ્રેશરમાં જોવા મળ્યો હતો.

યુરો આ વર્ષના સૌથી નીચલા સ્તરે આવી જતાં અમેરિકી શેરબજારમાં પણ તેની અસર જોવાઇ હતી. દરમિયાન અમેરિકા ચીનથી આયાત થતી વધુ કેટલીક ચીજવસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારી શકે છે તેવાં સેન્ટિમેન્ટ પાછળ પણ શેરબજાર તૂટ્યું હતું. નોંધનીય છે કે જે.પી. મોર્ગન ચેઝ કંપનીનો શેર ૪.૩ ટકા, જ્યારે મોર્ગન સ્ટેન્લી કંપનીનો શેર ૫.૮ ટકા તૂટ્યો હતો. નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ પણ છેલ્લે ૩૭.૨૬ પોઇન્ટને ઘટાડે ૭,૩૯૬.૫૯, જ્યારે એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ ૩૧.૪૭ પોઇન્ટને ઘટાડે ૨,૬૮૯.૮૬ પોઇન્ટને મથાળે બંધ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇટાલી પર ડેબ્ટ ક્રાઇસિસનું સંકટ તોળાયું છે.

You might also like