Stock Market: સેન્સેક્સ 200 પોઈન્ટ અપઃ નિફ્ટી 11,450ની નજીક

અમદાવાદ: શેરબજારની આજે મજબૂત શરૂઆત થઇ હતી. નિફ્ટી ૧૧,૪૮૪.૮૦ સુધી પહોંચવામાં સફળ રહી હતી, જ્યારે સેન્સેક્સ ૩૮,૦૦૦ની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ૦.૫ ટકાની મજબૂતી જોવા મળી છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૨૦૯.૫૮ પોઇન્ટના ઉછાળા સાથે ૩૭,૯૨૭ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ૭૪ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૪૪૩ પર ટ્રેડ કરી રહી છે. આમ, નિફ્ટી ૧૧,૪૫૦ની નજીક છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ લેવાલી જોવા મળી છે.

બીએસઇનો મિડેકપ ઇન્ડેક્સ એક ટકા, જ્યારે નિફ્ટીનો મિડકેપ ઇન્ડેક્સ ૧.૧ ટકા ઊછળ્યો છે. બીએસઇનાે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૯ ટકા સુધી ઊછળ્યો છે. બેન્કિંગ, રિયલ્ટી, ફાર્મા, મેટલ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ અને પાવર શેરમાં લેવાલી જોવા મળી છે.

બેન્ક નિફ્ટી એક ટકાના ઉછાળા સાથે ૨૭,૦૭૭ પર ટ્રેડ કરી રહી છે. આઇટી શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટીનો આઇટી ઇન્ડેક્સ એક ટકાથી વધુ તૂટ્યો છે.

રૂપિયો મજબૂતી સાથે ખૂલ્યો
ડોલરની તુલનાએ રૂપિયામાં આજે મજબૂતી જોવા મળી છે. ડોલર સામે રૂપિયો આજે ૪૯ પૈસા વધીને ૭૧.૭૦ની સપાટીએ ખૂલ્યો છે. મંગળવારે ડોલરની તુલનાએ ૫૧ પૈસાની મજબૂતી સાથે ૭૨.૧૯ની સપાટીએ રૂપિયો બંધ થયો હતો. આ લખાઈ રહ્યું છે રૂપિયો ૭૧.૮૩ પર ટ્રેડ કરી રહ્યો છે.

You might also like