BMCમાં અઢી અઢી વર્ષ માટે શિવસેના-ભાજપના મેયર બનેઃ એમ.જી. વૈદ્ય

મુંબઇ: મુંબઇમાં બીએમસી ચૂંટણીના ખંડિત પરિણામો આવ્યા બાદ સર્જાયેલ મડાગાંઠ વચ્ચે હવે એક નવી ફોર્મ્યુલા સામે આવી છે. આરએસએસના વરિષ્ઠ વિચારક એમ.જી.વૈદ્યે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર ચલાવી રહેલ ભાજપ અને શિવસેનાએ હવે અઢી અઢી વર્ષ પોતાના ઉમેદવારને મેયરપદે બેસાડવા જોઇએ.

એમ.જી.વૈદ્યે જણાવ્યું હતું કે બીએમસીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલ શિવસેનાને મેયરપદ માટે સૌ પ્રથમ તક મળવી જોઇએ. દરમિયાન એવી અટકળો વહેતી થઇ હતી કે શિવસેના કોંગ્રેસનું સમર્થન લઇ શકે છે, પરંતુ કોંગ્રેસે જણાવ્યું હતું કે ઉદ્વવ ઠાકરેની પાર્ટી શિવસેનાને સમર્થન આપવાનો સવાલ જ નથી.

બીએમસી ચૂંટણીમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જોકે શિવસેના સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલ છે, પરંતુ બીજા નંબરે ભાજપ પણ બેઠકની સંખ્યાની દૃષ્ટિને શિવસેનાની લગભગ નિકટ છે. રર૭ બેઠક ધરાવતી બીએમસીમાં શિવસેનાને ૮૪, ભાજપને ૮ર, કોંગ્રેસને ૩૧, એનસીપીને ૭ અને મનસેને ૭ બેઠક મળી છે. બહુમતી માટે ૧૧૪નો જાદુઇ આંક જરૂરી છે.

ભાજપ અને શિવસેના વચ્ચે સમાધાન કરાવવા કેન્દ્રીય પ્રધાન ની‌તીન ગડકરીને જવાબદારી સોંપાઇ હતી. ત્યાર બાદ આરએસએસના વરિષ્ઠ વિચારક એમ.જી.વૈદ્યે સૂચન કર્યું છે કે બંને પક્ષ અઢી અઢી વર્ષ માટે મેયરપદ પોતાની પાસે રાખી મૂકે છે.

http://sambhaavnews.com/

You might also like