બેનામી ટ્રેડિંગ કરનારા સામે સેબીની લાલ આંખ

મુંબઇ, સોમવાર
દેશમાં બેનામી કંપનીઓ પર સખતાઇ બાદ સેબીએ બેનામી ટ્રેડિંગ પર પણ અંકુશ મૂકવા કવાયત હાથ ધરી છે. નાણાં ભંડોળના ઉપયોગ કરીને શેરબજારની કંપનીઓના શેરના ભાવમાં વધઘટ કરવી તથા ઇનસાઇડર ટ્રેડિંગ કરનારા લોકોને શોધી કાઢવા સેબીએ તપાસ હાથ ધરી છે.

જેમાં એક કંપની બીજી કંપનીને લોનના સ્વરૂપમાં ભંડોળ પૂરું પાડવામાં આવે છે. નવથી દશ કંપનીઓની સિન્ડિકેટ દ્વારા શેરના ભાવ વધ-ઘટ સંબંધે ઓપરેશન હાથ ધરવામાં આવે છે, જેમાં કંપનીઓને શેરનાં ખરીદ અને વેચાણ માટે કેટલીક ટકાવારીના સ્વરૂપમાં નાણાં મળે છે.

પાછલા સપ્તાહે સેબીના સભ્યએ આ પ્રકારનાં ટ્રેડિંગ અંગેનો મુદ્દો બેઠકમાં ઉઠાવ્યો હતો. બેઠકમાં સ્ટોક એક્સચેન્જમાં અધિકારી, સેબીના કેટલાક ઉચ્ચ અધિકારી તથા ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડસ્ટ્રીઝના કેટલાક લોકો પણ સામેલ હતા.

જોકે આ પ્રકારનું ટ્રેડિંગ શોધી કાઢવું મુશ્કેલરૂપ ગણાવ્યું હતું તથા પુરાવાના અભાવે કેસ નબળો પડવાની આશંકા પણ બેઠકમાં વ્યક્ત કરાઇ હતી.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં જોવા મળેલા ઉછાળાની સાથેસાથે કેટલાક પેની સ્ટોક્સમાં પણ ભારે વધઘટ જોવા મળી હતી, જેમાં કેટલીક કંપનીઓ સામે સેબીમાં ફરિયાદ પણ મળી હતી, જેના પગલે હવે સેબી આ પ્રકારનાં ટ્રેડિંગ પર અંકુશ આવે તેવી કાર્યવાહી હાથ ધરી શકે છે.

You might also like