IPO લિસ્ટિંગનો સમય બાર દિવસથી ઘટાડીને છ દિવસનો કરાયો

મુંબઈ: આઇપીઓ ભરતા નાના રોકાણકાર માટે સારા સમાચાર છે. બજાર નિયમનકારી એજન્સીએ આઇપીઓ લિસ્ટિંગનો સમય બાર દિવસમાંથી ઘટાડીને છ દિવસનો કર્યો છે. સેબીનાં આ પ્રકારનાં પગલાંથી રિટેલ રોકાણકારોને નવા આઇપીઓના લિસ્ટિંગ માટે માત્ર છ જ દિવસની રાહ જોવી પડશે એટલું જ નહીં રિટેલ રોકાણકારના ઋણ ખર્ચમાં પણ ઘટાડો થશે.

પ્રાઇમરી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે દુનિયાના વિકસિત બજારોમાં આઇપીઓ બંધ થાય તેના માત્ર ચાર પાંચ દિવસમાં જ જે તે કંપનીના શેર્સનું લિસ્ટિંગ થઇ જતું હોય છે, પરંતુ સ્થાનિક મોરચે નવા આઇપીઓ લિસ્ટિંગનો સમય બાર દિવસ જેટલો લાંબો હતો. તેથી શેરબજારના અગ્રણી છેલ્લા કેટલાય સમયથી આ સમયગાળાને ઘટાડો કરવાની માગ કરી રહ્યા હતા.

સેબીના જણાવ્યા પ્રમાણે આઇપીઓ ભરતા રોકાણકારે આઇપીઓ ફોર્મ પર બેન્ક ખાતાનો નંબર લખી અને સહી કરી એલોટમેન્ટના કિસ્સામાં બેન્કને પેમેન્ટ કરવાની સત્તા આપવાની રહેશે. સેબીના આ પગલાંથી ચેક લખવાની મહેનત બચી જશે. રજિસ્ટ્રાર્સ, શેર ટ્રાન્સફર એજન્ટ્સ અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ હવે ફિઝિકલ અને ઓનલાઇન બંને પ્રકારનાં એપ્લિકેશન ફોર્મ સ્વીકારી શકશે. એટલું જ નહીં એક્સચેન્જે સેકન્ડરી બજારની જેમ એ પ્રકારની સિસ્ટમ ગોઠવવી પડશે કે જેમાં રોકાણકારો એક્સચેન્જની સત્તાવાર વેબસાઇટ પર પબ્લિક ઇશ્યુનું સ્ટેટસ જોઇ શકશે.

You might also like