Video: ભાણવડ પાલિકામાં BJP કોર્પોરેટરના પતિ અને કોંગ્રેસના કૉર્પોરેટર વચ્ચે મારામારી

દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકામાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે થયેલી મારામારીથી રાજકીય ગરમાવો આવ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો વધુ બિચક્યો હતો. બંને વચ્ચે વાતચીત બાદ ઉગ્ર બોલાચાલી થતાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ ઉશ્કેરાઈને કોંગ્રેસના કોર્પોરેટરને લાફા ઝીંકી દીધા હતા. આ મામલે સીસીટીવી ફૂટેજનો વીડિયો પણ જોવા મળી રહ્યો છે.

જોકે મારામારી થતાં જ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો એકઠા થઈ ગયા હતા. જો કે બાદમાં બન્ને પક્ષે સમાધાન થઈ જતાં મામલો થાળે પડયો હતો. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કોર્પોરેટર જીજ્ઞાબેન હિતેષભાઇ જોશીના પતિ અને કૉંગ્રેસના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર ગફારભાઈ રીંડાણી વચ્ચે સામાન્ય મુદ્દે બોલાચાલી થઇ હતી.

જો કે બોલાચાલી ઉગ્ર બનતાં જ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ ઉશ્કેરાઈ કૉંગ્રેસના કોર્પોરેટરને લાફો મારી દીધો હતો. બાદમાં કોંગ્રેસના કોર્પોરેટરે પણ સામે મારામારી શરૂ કરી દીધી હતી. જો કે કાર્યાલયમાં લોકો તેમને છોડાવતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ બનાવના પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. મારામારી થતાની સાથે જ ભાણવડના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો એકઠા થઈ ગયા હતા. કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. બાદમાં બંને પક્ષે સમાધાન થઇ જતા મામલો થાળે પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભાણવડ નગરપાલિકાના રાજકારણની તો વર્ષ 2012માં ચૂંટણીમાં 7 વોર્ડની કુલ 21 બેઠકોમાંથી 10 બેઠક પર કોંગ્રેસ અને 11 બેઠક પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા. દરમ્યાન કોંગ્રેસના 5 ઉમેદવારોએ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા. હાલમાં પાલિકામાં કોંગ્રેસના 5 તેમજ ભાજપના 16 સદસ્યો છે

You might also like