RTO ચેક પોસ્ટ પરથી કરોડોનું કૌભાંડ ૫કડાયુંઃ ૮ની ધરપકડ

અમદાવાદ: રાજ્યની વિવિધ આરટીઓ ચેક પોસ્ટ પર આરટીઓનાં અધિકારીઓને બ્લેકમેઈલ કરી ખાનગી કંપનીના ડેટા ઓપરેટર અને સુપરવાઈઝરમાં પોતાનાં મળતિયાઓને રાખી કરોડો રૂપિયા ઊઘરાવવાનાં કૌભાંડનો એન્ટીકરપ્શન બ્યૂરોએ પર્દાફાશ કર્યો છે. ગઈકાલે એસીબીની ટીમે બાતમીનાં આધારે કૌભાંડ આચરનાર મુખ્ય સૂત્રધારને રોકડા રૂ.૨૨.૭૫ લાખ સાથે અને વિવિધ ચેક પોસ્ટ પર કામ કરતાં આઠેક જેટલાં લોકોની ધરપકડ કરી છે.

તમામ ચેક પોસ્ટ પર મુખ્ય આરોપીઓએ પોતાનાં મળતિયા ગોઠવી વ્યવસ્થિત કૌભાંડ આચર્યું હતું. એસીબીએ તેમના ઘરે પણ દરોડા પાડી બેનામી સંપત્તિઓ હોવાનું ઝડપ્યું છે.

ગુજરાત એન્ટિકરપ્શન બ્યૂરોનાં ડાયરેક્ટર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે રાજ્યની ૧૪ જેટલી આરટીઓ ચેક પોસ્ટ પર ખાનગી કંપનીનાં કેટલાંક ઓપરેટરો અને સુપરવાઈઝરો ઓવરલોડેડ ટ્રકોનાં પૈસા પડાવે છે જેનાં આધારે ગઈકાલે આ કૌભાંડ આચરનાર જયેશ પટેલ (રહે. ગોધરા)ની ઈનોવા ગાડી સાથે તેમજ ગાડીમાંથી રોકડા રૂ. ૨૨.૭૫ લાખ સાથે ઝડપી લીધો હતો. આરોપી જયેશ પટેલની પૂછપરછ કરતાં પોતે અને વિપુલ પટેલ પોતાના મળતિયા માણસોને ચેક પોસ્ટ પર રાખી અને આ કૌભાંડ આચરતા હતાં. રૂ. ૨૨ લાખ ઉત્તર ગુજરાતમાં આવેલી ચેક પોસ્ટનું ૧૫ દિવસનું કલેકશન લઈ ગોધરા જઈ રહ્યો હતો.

વધુ પૂછપરછ કરતાં પોતાના મળતિયાઓ આ કામકાજ કરતાં હોઈ ભિલાડ ચેક પોસ્ટ પર સુપરવાઈઝર હિરેન પટેલ તેમજ સંજય પટેલ, સામખિયાળી ખાતે દીપક રાવલ, શબ્બીર મલિક અને થરાદ ચેકપોસ્ટ પર કામ કરતાં મેહુલ ઓઝા સહિત કુલ આઠ લોકોને એસીબીએ ઝડપી લીધાં હતાં. પોલીસે આરટીઓ ચેક પોસ્ટ પરથી દસ્તાવેજો વગેરે કબ્જે કર્યાં હતાં. એસીબીએ આરોપી જયેશ પટેલ અને

વિપુલ પટેલનાં વડોદરા સ્થિત મકાન અને ઓફિસ ખાતે સર્ચ કરતાં એક કરોડ રૂપિયાની ભાગીદારીમાં ફેક્ટરી ઊભી કરી હતી તેમ જ રૂ. ત્રણ કરોડનાં બે બંગલા, રૂ. ૫૦ લાખની ઓફિસ અને રૂ. ૧ કરોડથી વધુનાં વાહનો મળી આશરે રૂ. ૫.૫૦ કરોડથી વધુની સંપત્તિ વસાવી છે. ઉપરાંત આરોપી મેહુલ ઓઝાએ ૩૫ લાખના મકાન સાથે રૂ. ૬૫ લાખની સંપત્તિ વસાવી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે એસીબીએ ઈન્કમટેક્ષ અને એન્ફોર્સમેન્ટ વિભાગને પણ જાણ કરી હોવાનું એસીબીએ જણાવ્યું છે.

ઉત્તર ગુજરાતની મહિને રૂ.૧ કરોડની આવક!!
ઉત્તર ગુજરાતમાં થરાદ, શામળાજી, અમીરગઢ ડેવી ચેક પોસ્ટ આવેલી છે. આ ચેક પોસ્ટ મહત્ત્વની અને રાજસ્થાનથી વધુ વાહનોની અવર-જવર હોવાથી ઉત્તર ગુજરાતની ચેક પોસ્ટમાંથી દર મહિને તેઓ એકાદ કરોડ રૂપિયા જેવું કમાતા હોવાનું બહાર આવ્યું છે. ચાર-પાંચ વર્ષથી આ કૌભાંડ ચલાવતાં હોઈ આઠેક કરોડ જેટલાંની બંને મુખ્ય આરોપીઓએ ભેગી કરી છે.

દરેક ચેકપોસ્ટ પર જાતે જઈ ૧૫ દિવસે પૈસાનું કલેકશન લઈ આવતાં
આરોપી જયેશ દર ૧૫ દિવસે ચેક પોસ્ટ પર જાતે જઈ રૂપિયાનું કલેકશન લઈ આવતો હતો. પોતે પોતાની ગાડી લઈ અને ચેક પોસ્ટ પર પોતાના મળતિયાઓ પાસેથી ૧૫ દિવસનું કલેકશન મેળવી લેતો હતો. ક્યારેક બીજે હોઈ આંગડિયા પેઢીમાં પણ પૈસા મંગાવતો હતો.

કયા ચેક પોસ્ટની કેટલી આવક (મહિનાની)

અમીરગઢઃ રૂ.૧૨થી ૧૫ લાખ
સામખિયાળીઃ રૂ.૧૦થી ૧૨ લાખ
થરાદ-થાપરઃ રૂ.૨થી ૫ લાખ
ભિલાડઃ રૂ.૨થી ૪ લાખ
અંબાજીઃ રૂ.૧થી ૨ લાખ

You might also like