RJDના ધારાસભ્ય રવીન્દ્રસિંહને રૂ. ૧૦ લાખનો દંડ ફટકારાયો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આરજેડીના ધારાસભ્ય રવીન્દ્રસિંહને કોઈ પણ હેતુ વિના કોર્ટમાં અરજી દાખલ કરવાના મામલે નારાજ થઈ 10 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે ચુકાદામાં જણાવ્યુ છે કે આવો દંડ એટલા માટે ફટકારવામાં આવ્યો છે કે જેના કારણે અન્ય લોકો પણ કોર્ટનો સમય બરબાદ કરતી બિનજરૂરી અરજી દાખલ કરતાં અટકે.

ધારાસભ્ય રવીન્દ્રસિંહે 1994માં છપાયેલા એક લેખને લઈને સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે આ કેસમાં ચુકાદો આપતાં પહેલાં અગાઉ આવા જ કેસમાં મહારાષ્ટ્રના એક નિવૃત શિક્ષકને હલકી કક્ષાની અરજી દાખલ કરવા બદલ એક લાખનો દંડ ફટકાર્યો હતો તે બાબતને ધ્યાનમાં રાખી આવો ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે અરજદારને જણાવ્યુ હતુ કે આવા પ્રકારની હરકતોમાંથી બહાર આવો. અને કોર્ટે વાતવાતમાં કોર્ટમાં અરજી કરનારા લોકોને પણ ટકોર કરી હતી.

કોર્ટે સવાલ કરતા જણાવ્યું હતું કે કોર્ટ આવી અરજીઓ શા માટે સ્વીકારે? આવી અરજીઓના કારણે કોર્ટનો કિંમતી સમય બરબાદ થઈ રહ્યો છે. દેશમાં આવી અરજીઓમાં અનેકગણો વધારો થઈ રહ્યો છે. તેના કારણે સુપ્રીમ કોર્ટના જજનો સમય પણ બરબાદ થઈ રહ્યો છે.

કોર્ટે અરજદારને જણાવ્યું હતું કે કોર્ટને એ વાત સમજમાં આવતી નથી કે અરજદારે 1994માં છપાયેલા લેખ અંગે હાઈકોર્ટમાં 2015માં અરજી કેમ કરી હતી? તેમજ બાદમાં 2016માં સુપ્રીમ કોર્ટમાં અરજી કેમ દાખલ કરી હતી?

http://sambhaavnews.com/

You might also like