SBI હવે જૂની-ફાટેલી નોટો બદલવાનો પણ ચાર્જ વસૂલશે

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા વધુ એક વખત સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા હવે જૂની અને ફાટેલી-તૂટેલી નોટો બદલવાથી લઈને બેઝિક સેવિંગ ડિપોઝિટ એકાઉન્ટ દ્વારા કેશ ઉપાડને મોંઘી બનાવશે, કારણ કે તેના પર ચાર્જ લગાવવામાં આવશે. નવા નિયમો ૧ જૂન, ૨૦૧૭થી લાગુ પાડવાની તૈયારીમાં છે.

સ્ટેટ બેન્ક હવે જૂની અને ફાટેલી નોટો બદલવા પર પ્રતિનોટ રૂ. ૨થી રૂ. ૫નો ચાર્જ વસૂલ કરશે. આ ચાર્જ નોટોની સંખ્યા ૨૦થી વધુ હશે અને તેનું મૂલ્ય ૫૦૦૦થી વધુ હશે તો વસૂલ કરવામાં આવશે. એ જ રીતે બેન્કે બેઝિક સેવિંગ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ પર પણ ફ્રી કેશ લિમિટ ચારની કરી દીધી છે, જેમાં એટીએમ દ્વારા થયેલા ટ્રાન્ઝેકશનને પણ આવરી લેવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ જૂની, ફાટેલી-તૂટેલી કે પલળી ગયેલી ૨૦ નોટો સુધી જેનું મૂલ્ય ૫,૦૦૦થી વધુ નહીં હોય તેને એક્સચેન્જ કરવી હશે તો કોઈ ચાર્જ આપવો પડશે નહીં, પરંતુ જો નોટોની સંખ્યા ૨૦થી વધુ હશે અને તેનું મૂલ્ય રૂ. ૫૦૦૦થી વધુ હશે તો પ્રતિનોટ રૂ. ૨નો ચાર્જ ચૂકવવો પડશે, જે સર્વિસ ટેક્સથી અલગ હશે. જો નોટોનું મૂલ્ય રૂ. ૫૦૦૦થી વધુ હશે તો પ્રતિ નોટ રૂ. ૨થી રૂ. ૫નો ચાર્જ ચૂકવવો પડશે.
http://sambhaavnews.com/

You might also like