SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદરોમાં વધારો કર્યો

નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ટર્મ ડિપોઝિટ (એફડી) પર વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેનાથી સામાન્ય ગ્રાહકોને ફાયદો થશે. એસબીઆઈએ બે કેટેગરીમાં એફડી પર વ્યાજ વધાર્યા છે. આ બે કેટેગરીમાં સૌથી વધુ ફાયદો એક વર્ષથી વધારે સમયગાળાની અને બે વર્ષથી ઓછા સમયગાળાની એફડી કરવાનારને ફાયદો થશે.

એસબીઆઈએ એક અને બે વર્ષની એફડી પર વ્યાજદરોમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે. આમ એફડી પરના વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા વ્યાજદરો રૂ. એક કરોડથી ઓછી કિંમતની એફડી પર ૨૮ મેથી લાગુ પડી ગયા છે. આ નવા વ્યાજદરોથી સિનિયર સિટિઝનને સારો લાભ મળશે.

એસબીઆઈ હવે એક વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધીની રિટેલ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ પર વ્યાજ આપશે. એસબીઆઈના જણાવ્યા અનુસાર એક વર્ષથી લઈને બે વર્ષ સુધીની રૂ. એક કરોડથી ઓછી રકમની રિટેલ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ પર હવે ૬.૪૦ ટકાને બદલે ૬.૬૫ ટકા વાર્ષિક દરે વ્યાજ મળશે.

આ સાથે જ બેથી ત્રણ વર્ષની રિટેલ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ પર પણ વ્યાજનો દર અગાઉની સરખામણીએ વધીને ૬.૫ ટકા મળશે. અગાઉ ૬.૬૦ ટકા વ્યાજ મળતું હતું. જ્યારે સિનિયર સિટિઝન્સને એક વર્ષથી બે વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર ૬.૯૦ ટકાના બદલે હવે ૭.૫ ટકા વ્યાજ મળશે. જ્યારે ૨-૩ વર્ષની એફડી માટે ૭.૧૦ ટકાના બદલે ૭.૧૫ ટકા વ્યાજ મળશે.

You might also like