SBIએ બે મહિનામાં બીજી વખત મોટી ડિપોઝિટ પર વ્યાજદર વધાર્યા

મુંબઇ, બુધવાર
દેશની જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બે મહિના કરતાં પણ ઓછા સમયમાં બીજી વખત મોટી રકમની ડિપોઝિટ પર વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. બેન્ક સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે રૂ. ૧૦ કરોડથી ઉપરની જમા ડિપોઝિટ પર વ્યાજના દરમાં ૧.૪ ટકા સુધીનો વધારો કરી દીધો છે.

નોંધનીય છે કે બેન્ક આ અગાઉ નવેમ્બરમાં ડિપોઝિટ પરના વ્યાજદરમાં એક ટકાનો વધારો કર્યો હતો. દરમિયાન બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે એસબીઆઇએ ડીપોઝિટ પરના વ્યાજના દરમાં વધારો કર્યાના પગલે હવે અન્ય બેન્કો પણ વધારો કરે તેવી શક્યતા છે.

એસબીઆઇના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે બદલાયેલા વ્યાજના દર તાત્કાલિક અસરથી લાગુ થઇ જશે. અત્યાર સુધી એક વર્ષથી ૪૫૫ દિવસ સુધીની જમા ડિપોઝિટ પર બેન્કે વ્યાજદરમાં વધારો કરીને ૬.૨૫ ટકા કર્યો છે, જે પહેલા ૫.૨૫ ટકા હતો. એ જ રીતે બે વર્ષથી દસ વર્ષ સુધીની જમા ડિપોઝિટ પર વ્યાજદર ૫.૨૫ ટકા હતો તેને વધારીને છ ટકા કરી દીધો છે, જ્યારે ૧૮૦થી ૨૧૦ દિવસની જમા ડિપોઝિટ પર વ્યાજદર ૪.૮૫ ટકા હતો તેને વધારીને ૬.૨૫ ટકા કર્યો છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ બેન્કો નાણાકીય પ્રવાહિતાની અછતનો સામનો કરી રહી છે, જેના કારણે લોન બિઝનેસ કારોબારને પણ અસર થઇ છે, જેના પગલે ડિપોઝિટ પરના વ્યાજદરમાં વધારો કરવાની કવાયત હાથ ધરી છે.

You might also like