ISમાં સામેલ ભારતીય યુવક બોલ્યોઃ પેરિસનો હુમલાખોર મારો લીડર હતો

નવી દિલ્હીઃ ખૂંખારી આતંકી સંગઠન આઈએસમાં સામેલ થઈને ભારત પરત આવેલ તામિલનાડુના સુબહાની હજા મોઈદ્દીને જણાવ્યું હતું કે તે ગઈ સાલ પેરિસમાં થયેલા હુમલાને અંજામ આપનાર આતંકીને ઓળખતો હતો. આ આતંકી તેનો લીડર હતો. મોઈદ્દીને આ ચોંકાવનારો ઘટસ્ફોટ તેની પૂછપરછ કરી રહેલ નેશનલ ઈન્વે‌િસ્ટગેશન એજન્સી (એનઆઈએ) સમક્ષ કર્યો છે. આઈએસના શકમંદ સભ્ય અને ભારતીય નાગરિક સુબહાની હજા મોઈદ્દીને જણાવ્યું છે કે તે ગઈ સાલ નવેમ્બરમાં પેરિસના એક થિયેટરમાં હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓને ઓળખતો હતો, પરંતુ તેણે એવો દેખાવ કર્યો હતો કે આ હુમલા અંગે કઈ જાણતો નથી. આ હુમલામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા.

સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સુબહાની હજા મોઈદ્દીન તુર્કીથી ઈરાક પહોંચ્યો હતો, જ્યાં તેને ધાર્મિક શિક્ષણ આપવા ઉપરાંત ગ્રેનેડ ચલાવવાની અને બોમ્બ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. પેરિસ હુમલાનો એક આતંકી તેમનો લીડર હતો. સુબહાની હજા મોઈદ્દીનની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને રાજ્ય પોલીસદળની મદદથી એનઆઈએ દ્વારા તામિલનાડુમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તામિલનાડુના તિરુમેલવેલીથી ધરપકડ કરાયેલ સુબહાની હજા મોઈદ્દીનમાં સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરવાદી ઉન્માદ ભરવામાં આવ્યો હતો અને પછી તેની ભરતી કરવામાં આવી હતી. ઉમરાહ કરવાના બહાને તે ગઈ સાલ એપ્રિલમાં ચેન્નઈથી તુર્કીના ઈસ્તંબૂલ ચાલ્યો ગયો હતો. ઈસ્તંબૂલ પહોંચ્યા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા કેટલાક લોકો સાથે તે ઈરાકના એ વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં ખૂંખાર આતંકી સંગઠન આઈએસનો કબજો હતો.

You might also like