AMTS બસની ઠપ જીપીએસ કાર્યરત કરવા તંત્રમાં દોડધામ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસમાં અત્યાધુનિક આઇટીએમએસ સિસ્ટમ અમલીકરણ કરવાના બણગાં ફૂંકતા સત્તાવાળાઓ હયાત જીપીએસને તેના યથાવત સ્વરૂપે જાળવવામાં નિષ્ફળ નીવડયા છે. છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર જીપીએસ સિસ્ટમ ઠપ થવાથી ઊહાપોહ સર્જાતાં તંત્ર હવે હરકતમાં આવ્યું છે.

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ વિભાગમાં સત્તાવાળાઓએ કરોડો રૂપિયાના ખર્ચે જમાલપુર ખાતે નવું કોર્પોરેટ લુક ધરાવતું મુખ્યાલય બનાવ્યું છે. આ મુખ્યાલયના છેલ્લા અને બીજા માળે અત્યાધુનિક કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી આ કંટ્રોલ રૂમ અને બસમાં બેસાડેલી ‌જીપીએસ અર્થ વગરની બની છે. કંટ્રોલ રૂમના સર્વરના સોફટવેરમાં ખામી સર્જાતાં સ્ટાફને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાળવી દેવાયો છે.

ખાનગી ઓપરેટરો પાસેથી વિવિધ પ્રકારનાં ધાંધિયાં બદલ જીપીએસ ઠપ થવાથી એક રૂપિયાની પેનલ્ટી વસૂલી શકાતી ન હોઇ ખાનગી ઓપરેટરોને જલસા થઇ ગયા છે. બીજી તરફ ધોમધખતા તાપમાં લાંબા સમયથી શેકાતા ઉતારુઓ સ્ટેન્ડ પરથી લીધા વગર કેટલાક ઉદ્ધત ડ્રાઇવર-કન્ડકટર સડસડાટ બસ હંકારી જતા હોઇ ઉતારુઓ તોબા પોકારી ઊઠયા છે.

એએમટીએસ બસમાં જીપીએસ અને કંટ્રોલ રૂમ ઠપ થવાથી આની ખુદ કમિશનર મૂકેશકુમારે ગંભીર નોંધ લીધી છે. ઇ-ગવર્નન્સનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકર અનેે એએમટીએસમાં ટ્રાન્સપોર્ટ મેનેજરનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ થોડા દિવસ પહેલાં જીપીએસનું કોકડું ઉકેલવા એએમટીએસના મુખ્યાલયમાં દોડી ગયા હતા. જ્યાં આ બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સંબંધિત અધિકારીઓએ પ્રેઝન્ટેશન કરીને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા.

આધારભૂત સૂત્રો વધુમાં કહે છે કે તંત્રે છેલ્લા અઠવાડિયાથી એક ખાનગી કંપનીને જીપીએસ સિસ્ટમ પુનઃ કાર્યરત કરવાની જવાબદારી સોંપી છે. જેમાં આ કંપનીને આંશિક સફળતા મળી છે. જોકે જીપીએસ સિસ્ટમનું પૂરેપૂરું ફીડબેક હજુ મળતું ન હોઇ ખાનગી ઓપરેટરોને પેનલ્ટી થઇ શકતી નથી. અલબત્ત ખાનગી ઓપરેટરનું ગત તા.ર૮ ફેબ્રુઆરી ર૦૧૮થી પેમેન્ટ અટકાવી દેવાયું છે.

જૂની જીપીએસ સિસ્ટમ અને નવી આઇટીએમએસ સિસ્ટમ એમ બંને સિસ્ટમ આગામી એક મહિનામાં ઉતારુઓની સુવિધા માટે ઉપલબ્ધ થઇ જશે તેવો દાવો કરતાં આધારભૂત સૂત્રો વધુમાં કહે છે કે ત્યાર બાદ થોડા મહિના આ બંને સિસ્ટમને ચાલુ રખાશે.

You might also like