RSSનું રાહુુલ, અખિલેશ, માયાવતી સહિત 3,000 લોકોને આમંત્રણ

નવી દિલ્હી: આરએસએસએ પોતાના ત્રણ દિવસના કાર્યક્રમમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, બસપાના સુપ્રીમો માયાવતી અને સપાના વડા અખિલેશ યાદવ સહિત ૩,૦૦૦ લોકોને આમંત્રિત કર્યા છે.

આમંત્રિત કરવામાં આવેલા લોકોમાં તમામ રાજકીય વિચારધારા, સામાજિક અને ધાર્મિક સમૂહો, લઘુમતી નેતાઓ સહિત નિવૃત્ત બ્યૂરોક્રેટસનો પણ સમાવેશ થાય છે. ૧૭થી ૧૯ સપ્ટેમ્બરના રોજ આયોજિત કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવત આ તમામ લોકો સાથે સંવાદ કરશે.

આમંત્રિત લોકોમાં પ્રાદેશિક પક્ષો સહિત તમામ રાજકીય પક્ષોના લોકોનો સમાવેશ થાય છે. ‘ભવિષ્ય કા ભારતઃ સંઘકી દૃષ્ટિ’ કાર્યક્રમમાં કોંગ્રેસના વડા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષના લોકસભાના નેતા મલ્લિકાર્જુન ખડગેને પણ આમંત્રણ આપવામાં આવેલ છે.

આ ઉપરાંત અખિલેશ યાદવ, માયાવતી, મમતા બેનરજી, ચંદ્રાબાબુ નાયડુ સહિત તમામ પ્રાદેશિક પક્ષોના વડાઓને. આમંત્રિત કરવામાં આવ્યા છે. સંઘને આશા છે કે આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં દરરોજ ૮૦૦થી ૧૦૦૦ લોકો ઉપસ્થિત રહેશે. સંઘનું કહેવું છે કે આ કાર્યક્રમના આયોજન પાછળનો હેતુ વધુમાં વધુ લોકોને સંઘની વિચારધારાથી માહિતગાર કરવાનો છે.

સંઘના એક સિનિયર લીડરે જણાવ્યું હતું કે અમે અલગ અલગ ધર્મના લોકોને બોલાવવા જઇ રહ્યા છીએ. અમે કોઇને પણ અલગ પાડવા માગતા નથી. આ વ્યાખ્યાનો દ્વારા સંઘને લઇને પ્રવર્તતી તમામ ભ્રમણાઓ દૂર કરવા માગીએ છીએ.

સંઘના વડા ભાગવત હિંદુત્વ, સંઘની કામગીરી અને સમકાલીન મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યકત કરશે. સંઘ પ્રમુખ પોતાના વ્યાખ્યાનમાં હિંદુત્વ કઇ રીતે દેશને સંગઠિત રાખી શકે તે દેશને જણાવશે.

You might also like