ATMમાં તંગી નિવારવા ૫૦૦ રૂપિયાની નોટ પાંચ ગણી છપાશે

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ATMમાં રૂપિયા ૫૦૦ની નોટની અછત જોવા મળી રહી છે, ત્યારે સરકાર દ્વારા આ‍વી સમસ્યા દૂર કરવા હવે ૫૦૦ રૂપિયાની નોટો પાંચ ગણી છાપવામાં આવશે, જેમાં હવે દરરોજ ૨૫૦૦ કરોડની ૫૦૦ રૂપિયાની નોટો છપાશે.

બીજી તરફ રિઝર્વ બેન્કે પણ આવી તંગી દૂર કરવા સ્ટોકમાં રાખેલી અઢીથી ત્રણ લાખ કરોડની કેશમાંથી રોજેરોજ રોકડ નાખવાનું શરૂ કરી દીધું છે. સરકારે આ માટે રિઝર્વ બેન્ક સાથે મળી એક સમિતિની રચના કરી છે, જે હાલ કેટલી રોકડ છે તેના પર વોચ રાખી રહી છે.

નાણાં મંત્રાલયના આર્થિક કાર્ય વિભાગના સચિવ સુભાષચંદ્ર ગર્ગે આ અંગે ખાતરી આપી છે કે દેશમાં કરન્સીની ખામી નથી. હાલ દેશમાં ૧૮ લાખ કરોડનું કરન્સી ચલણમાં છે. નોટબંધી પહેલાં આ આંકડો ૧૭.૫ લાખ કરોડ હતો, જોકે તેમણે એ વાત સ્વીકારી હતી કે તાજેતરમાં કરન્સીની માગમાં આસાધારણ ઉછાળો આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે થોડા મહિના પહેલાં દર મહિને ૨૦,૦૦૦ કરોડની રોકડની માંગ હતી, પરંતુ માર્ચમાં તે વધીને ૪૦ હજાર કરોડ થઈ ગઈ છે, જ્યારે એપ્રિલના પ્રથમ ૧૩ દિવસમાં જ આવી રકમ ૪૫૦૦૦ કરોડ થઈ ગઈ હતી.

સ્થાનિક કારણસર કરન્સીની માગમાં અચાનક વધારો થયો છે ત્યારે જેટલું કરન્સી ચલણમાં છે તેનો છઠ્ઠો ભાગ સ્ટોકમાં રાખ‍વામાં આ‍વે છે, જેથી જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય, જોકે હાલ સ્ટોકમાં અઢીથી ત્રણ લાખ કરોડનો સ્ટોક હતો અને થોડા દિવસ પહેલાં કરન્સીની તંગીના કારણે તેમાંથી થોડી કેશ નાખવામાં આ‍વી છે. તેમ છતાં હજુ સ્ટોકમાં ૧.૭૫ લાખ કરોડનું કરન્સી છે.

દેશભરમાં ૪૦૦૦ કરન્સી ચેસ્ટના માધ્યમથી રોકડમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં દરરોજ ૫૦૦ કરોડની ૫૦૦ રૂપિયાની નોટો છાપવામાં આ‍વી રહી છે અને આવનારા દિવસોમાં ૨૫૦૦ કરોડની ૫૦૦ રૂપિયાની નોટ છાપવામાં આ‍વશે.

You might also like