IPLમાં કોહલીની જેટલી જ રકમ મળતી હતી રોહિતને, પણ ટીમ માટે ઠુકરાવી

મુંબઈઃ
આઇપીએલની આગામી સિઝનની શરૂઆત રિટેન પોલિસી સાથે થઈ ચૂકી છે. આરસીબીને ટીમના કેપ્ટન વિરાટ કોહલીને રૂ. ૧૭ કરોડમાં રિટેન કર્યો, જે આઇપીએલ ઇતિહાસની સૌથી મોટી રકમ છે. બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બૂમરાહ માટે કુલ રૂ. ૩૩ કરોડ ખર્ચી નાખ્યા. રોહિત શર્માને ૧૫ કરોડ, જ્યારે હાર્દિકને ૧૧ કરોડ અને બૂમરાહને સાત કરોડ રૂપિયામાં રિટેન કરાયા.

મુંબઈ પાસે હવે હરાજી માટે બે રાઇટ ટુ મેચ અને કુલ ૪૭ કરોડની રકમ છે. જોકે આ રકમ હજુ પણ ઓછી થઈ જાત, પરંતુ ટીમનાં હિતને જોતાં રોહિત શર્માએ પોતાની કિંમત ઓછી કરી નાખી. એક અહેવાલ અનુસાર રોહિતે નક્કી કરેલી કિંમતથી વધુ નાણાં લેવામાં કોઈ રુચિ દાખવી નહીં. ટીમ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર રોહિત ફક્ત મેદાનમાં જ નહીં, મેદાનની બહાર પણ લીડર સાબિત થયો છે. તે ટીમના સંતુલન માટે નંબર ત્રણ કે તેનાથી પણ નીચેના ક્રમે બેટિંગ કરવા તૈયાર રહે છે અને હવે તેણે ટીમની પ્રાથમિકતાને ટોચ પર રાખી છે.

મુંબઈએ રોહિતને કિંમત ઓછી કરવા કહ્યું હતું, જેથી ટીમને વધુ સારી બનાવી શકાય. રોહિતે તરત આ વાત માની લીધી. રોહિતને રિટેન કર્યા બાદ મેનેજમેન્ટ હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલને રિટેન કરવા ઇચ્છતું હતું, પરંતુ રોહિતે પોતાની કિંમત ઓછી કરીને હાર્દિકને રિટેન કરાવડાવ્યો. પોલિસી અનુસાર રોહિતને પણ વિરાટ જેટલા જ રૂ. ૧૭ કરોડ મળવાના હતા, પરંતુ રોહિતે પોતાને જૂની ફીથી જ સંતોષ માની લીધો.

You might also like