શારજાહથી ઈસ્તંબુલ જતું તુર્કીનું વિમાન તૂટી પડતાં ૧૩ લોકોનાં મોત

તહેરાન: સંયુકત આરબ અમિરાતના શારજાહથી ઈસ્તંબુલ જઈ રહેલુ તુર્કીનું એક ખાનગી જેટ વિમાન ઈરાનના પર્વતીય વિસ્તારમાં એક પર્વત સાથે અથડાતાં વિમાનમાં બેઠેલા ૧૩ લોકોનાં મોત થયાં છે.

ઈરાની ટેલિવિઝને આપાતકાલિન પ્રબંધન સંગઠનના પ્રવકતા મુજ્તબા ખાલિદીના હવાલાથી જણાવ્યું હતું કે આ વિસ્તારના શહેર એ કોર્ડમાં વિમાન એક પર્વત સાથે અથડાયું હતું, જેને કારણે વિમાનમાં આગ લાગી હતી. જેમાં વિમાનમાં બેઠેલા તમામ લોકોનાં મોત થયાં છે.ભારે વરસાદ અને પહાડી વિસ્તારને કારણે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાને ગઈ કાલે શારજાહના એરપોર્ટ પરથી બપોરે ઉડાણ ભરી હતી.

જે થોડા સમય બાદ ઈરાનના દક્ષિણ-પશ્વિમ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે બોમ્બાર્ડિયર સીએલ-૬૦૪ વિમાન શહેર એ કોર્ડમાં એક પહાડ સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અંગે જાણ થતાં રાહત બચાવ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને વિમાનમાંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જેમની ડીએનએ ટેસ્ટ બાદ ઓળખાણ થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફ્રેબ્રુઆરીમાં પણ ઈરાનનું એક વિમાન તૂટી પડ્યું હતું. તે વખતે વિમાન તહેરાનથી યસુજ જઈ રહ્યું હતું. જેમાં વિમાને ઉડાણ ભર્યા બાદ થોડા જ સમયમાં વિમાનનો એટીસી સાથેનો સંપર્ક તૂટી જતાં ૬૬ લોકોનાં મોત થયાં હતાં.

આ બનાવની જાણ થતાં જ દુર્ઘટના સ્થળ નજીકના ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને વિમાન નીચે દબાયેલા અને વિમાનમાં રહેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. લાશો એટલી હદે બળી ગઈ છે કે તેની ઓળખ માટે ડીએનએ કરાવવો પડશે.

You might also like