Stock Market : આગામી સપ્તાહે ટીસીએસ અને ઈન્ફોસિસનું રિઝલ્ટ

શેરબજાર ગઈ કાલે છેલ્લે સુધારે બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ ૮૩ પોઇન્ટના સુધારે ૩૫,૬૫૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૨ પોઇન્ટના સુધારે ૧૦,૭૭૨ પોઇન્ટની સપાટીએ બંધ જોવા મળી હતી. નિફ્ટી ૧૦,૭૫૦ની ઉપર બંધ આવી છે. તે એક પોઝિટિવ સંકેત ગણાવી શકાય.

શેરબજારમાં યુએસ અને ચીન વચ્ચે છેડાયેલી ટ્રેડ વોરનું પેનિક જોવા મળી રહ્યું છે. આગામી સપ્તાહે તેની અસર જોવા મળી શકે છે. નોંધનીય છે કે સપ્તાહમાં સેન્સેક્સ ૦.૭ ટકા, જ્યારે નિફ્ટી ૦.૬ ટકાના સુધારે બંધ જોવા મળ્યો છે.

આગામી સપ્તાહથી રિઝલ્ટ સિઝન શરૂ થશે. આગામી સપ્તાહના મંગળવારે ટીસીએસ અને ઇન્ડસઇન્ડ બેન્કનું રિઝલ્ટ આવશે, જ્યારે શુક્રવારે ઇન્ફોસિસ અને બજાજ કોર્પ. કંપનીનું રિઝલ્ટ આવશે. આ રિઝલ્ટ રોકાણકારો માટે મહત્ત્વનાં બની રહેશે. પાછલા મહિનામાં રૂપિયો જે રીતે તૂટ્યો છે એ જોતાં આઇટી કંપનીઓનાં પરિણામ સારાં આવે તેવી શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

દરમિયાન સપ્તાહ દરમિયાન નિફ્ટી બેન્કમાં ૦.૫૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે આઇટી અને ફાર્મા ઇન્ડેક્સમાં ૦.૨૦ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે તો બીજી બાજુ મેટલ, રિયલ્ટી અને મીડિયા ઇન્ડેક્સમાં સપ્તાહ દરમિયાન ૩.૪ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં જે રીતે મજબૂતાઇ જોવા મળી છે તે જોતાં આગામી સપ્તાહમાં રૂપિયો વધુ નબળો પડી શકે છે અને તેની અસર શેરબજાર ઉપર પણ નોંધાઇ શકે છે.

જ્યારે યુએસ અને ચીન વચ્ચેની ટ્રેડ વોર વધુ તેજ થઇ છે. અમેરિકાએ ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ૩૪ અબજ ડોલરની આયાત ડ્યૂટી લાદતાં તેની અસર ચીન સહિત વિશ્વના અન્ય દેશો ઉપર પણ જોવા મળશે. વૈશ્વિક ઇક્વિટી બજારમાં પણ તેની અસર જોવા મળી શકે છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શેરબજારને અસર કરે તેવાં પોઝિટિવ પરિબળોનો અભાવ જોવા મળી રહ્યો છે. આગામી સપ્તાહમાં શેરબજારમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી શકે છે એટલું જ નહીં, ‘સ્ટોક સ્પેસિફિક’-ખરીદ- વેચાણની રણનીતિ અપનાવી શકાય. નિફ્ટી ૧૦૦થી ૧૫૦ પોઇન્ટની રેન્જની મૂવમેન્ટમાં જોવા મળી શકે છે. નિફ્ટી ૧૦,૭૦૦ સપોર્ટ લેવલ ગણાવી શકાય.

રૂપિયામાં આ સપ્તાહે તોફાની ઘટાડો
ડોલર સામે રૂપિયામાં સપ્તાહ દરમિયાન ઘટાડાની ચાલ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં જોવાયેલી મજબૂતાઇના પગલે ભારત સહિત ઊભરતા દેશોની કરન્સીમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો ૪૧ પૈસા તૂટીને ગઇ કાલે છેલ્લે ૬૮.૮૭ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. પાછલા સપ્તાહે છેલ્લે રૂપિયો ૬૮.૪૬ના મથાળે બંધ જોવા મળ્યો હતો. યુએસ દ્વારા આયાત ડ્યૂટી વધારવાના લેવાયેલા પગલાને કારણે આગામી સપ્તાહે રૂપિયો વધુ તૂટવાની શક્યતા છે તેવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે.

You might also like