Civil હોસ્પિટલમાં બીજા દિવસે પણ રેસિડેન્ટ ડોકટરની હડતાળ યથાવત્

અમદાવાદ: અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે ડોકટર પર થયેલા હુમલાને લઇ જુનિયર રેસિડેન્ટ ડોકટરોની હડતાળ યથાવત રહી છે. આજે સવારે જુનિયર ડોકટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો.

બીજી તરફ ગઇ કાલે સિવિલના ટ્રોમા સેન્ટરના પાર્કિંગમાં જુનિયર ડોકટર પર થયેલા હુમલા મામલે ડોકટર ફરિયાદ કરવા આવ્યા ન હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આવી કોઇ ઘટના બની ન હોવાનું બહાર આવ્યું છે.

બે દિવસ અગાઉ સારવાર માટે આવેલા દર્દીનાં સગાંએ સિવિલમાં ઓપરેશન થિયેટરમાં ડોકટરો સાથે મારામારી કરી હતી. ડોકટર પર થયેલા હુુમલાના પગલે રેસિડેન્ટ ડોકટરો આરોપીઓની ધરપકડની અને આવા બનાવોને રોકવાની માગ સાથે હડતાળ પર ઊતરી ગયા હતા.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને હોસ્પિટલ તંત્રની સમજાવટ બાદ ડોકટરોએ હડતાળ સમેટી લીધી હતી. હુમલાની ઘટનામાં શાહીબાગ પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી.

કાલે સવારે સિવિલના ટ્રોમા સેન્ટરના પાર્કિંગમાં જુનિયર ડોકટર પર હેલ્મેટ પહેરીને આવેલા બે અજાણ્યા શખ્સો હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. જે મામલેે શાહીબાગ પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

બીજી તરફ જુનિયર ડોકટરોને આ મામલે જાણ થતાં તેઓ ફરીથી હડતાળ પર ઊતરી ગયા હતા. મામલાની ગંભીરતાને લઇ પોલીસે ડોકટરની ફરિયાદ લેવા ડોકટરનો સંપર્ક કર્યો, પણ તેઓ મળ્યા નહીં.

ગઇ કાલની હુમલાની ઘટનામાં હજુ સુધી જે ડોકટર હુમલો કરવામાં આવ્યો છે તે ડોકટરે ફરિયાદ નોંધાવી નથી અને જુનિયર ડોકટરો હુમલાખોરોને પકડવાની માગ સાથે હડતાળ પર ઊતરી રેલી કાઢી વિરોધ નોંધાવી રહ્યા છે. જુનિયર ડોકટરો હડતાળ પર ઊતરી જતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પોલીસ તપાસમાં હજુ સુધી હુમલો થયો હોય તેવું બહાર આવ્યું નથી તેમજ ડોકટર પણ હુમલા અંગેની ફરિયાદ નોંધાવવા આવ્યા નથી. ખરેખર ડોકટર પર હુમલો થયો છે કે કેમ? તેના પર સવાલ ઊભા થઇ રહ્યા છે.

બીજી તરફ ગઇ કાલના હુમલાને લઇને જુનિયર ડોકટરો હડતાળ પર ઊતરી હોસ્પિટલ અને પોલીસ તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે.

You might also like