Categories: Business

રિઝર્વ બેંકના ગવર્નરની પાંખો કપાઈ

રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજન એનડીએના વર્તમાન શાસનમાં કદાચ સૌથી વધુ દુઃખી આત્મા હશે. હમણાં સરકારે તેમની પાંખો કાપવાના પ્રયાસ સમાન એક પગલું લીધું છે. સરકારે છ સભ્યોની એક મોનિટરી પૉલિસી કમિટી (એમપીસી)ની રચના કરી છે. આ સમિતિનું કામ મુખ્યત્વે રિઝર્વ બેંકની વ્યાજદરની નીતિ નક્કી કરવાનું રહેશે. અત્યાર સુધી આ વ્યાજદર નક્કી કરવાની જવાબદારી સંપૂર્ણપણે રિઝર્વ બેંકના ગવર્નરની રહેતી હતી. હવે એ કામ આ સમિતિ દ્વારા થશે. આ પગલાંને રિઝર્વ બેંકના નિર્ણયોમાં સરકારની દખલ તરીકે જોવામાં આવે છે.

સમિતિના છ સભ્યોમાં રઘુરામ રાજન ઉપરાંત રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર અને કાર્યકારી ડિરેક્ટર ઉપરાંત ત્રણ સ્વતંત્ર સભ્યોની નિયુક્તિ સરકાર દ્વારા કરાશે. સમિતિના નિર્ણયમાં દરેક સભ્યોનો એક મત ગણાશે અને કોઈ નિર્ણયમાં બંને બાજુ ત્રણ-ત્રણ મત પડશે તો એવી ટાઈની સ્થિતિમાં રિઝર્વ બેંકના ગવર્નરને એક વધારાના મતનો અધિકાર રહેશે, જેના દ્વારા નિર્ણય લેવાશે. મતલબ આખરી ફેંસલો રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા જ થશે એ તો સમજી શકાય એવી વાત છે, પરંતુ સમિતિની રચના સ્વયં રિઝર્વ બેંકના ગવર્નરના સ્વતંત્ર અખત્યાર અને કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવા બરાબર છે.

રિઝર્વ બેંકના વ્યાજ દર અને મૌદ્રિક નીતિ બાબતે સરકાર અને રઘુરામ રાજન વચ્ચે મતભેદો પ્રવર્તતા હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલતી રહી છે. આવી ચર્ચાના એક તબક્કે તો નાણાપ્રધાન અરુણ જેટલીએ નિવેદન કરીને સ્પષ્ટ કરવું પડ્યું હતું કે તેમની અને રઘુરામ રાજનની વચ્ચે કોઈ મતભેદ નથી. આમ છતાં મોદી સરકારે સત્તા સંભાળી ત્યારથી એક એવી માન્યતા પ્રવર્તી આવી છે કે રઘુરામ રાજન એનડીએ સરકારની અને વધુ સ્પષ્ટ કહેવું હોય તો નાણાપ્રધાનની પસંદગીની વ્યક્તિ નથી, પરંતુ આવી માન્યતામાં વિરોધાભાસી લાગે એવી હકીકત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રઘુરામ રાજન ગમે છે અને એકંદરે તેમની કામગીરીથી પણ સંતુષ્ટ છે.

છતાં આર્થિક બાબતોમાં સરકાર અને રઘુરામ રાજનના વિચારો અને અભિપ્રાયોનો સરકારના વિચારો સાથે મેળ બેસતો નથી અને એવું અવારનવાર સ્પષ્ટ થયું છે. વિકાસ દરમાં વૃદ્ધિની બાબતમાં ભારત વિશ્વમાં અગ્રસ્થાન ધરાવે છે એવું ગૌરવ મોદી સરકાર લેતી રહે છે. એવા સમયે રઘુરામ રાજને આ સંદર્ભમાં ‘અંધો કી નગરી મેં કાના રાજા’ યાને કે આંધળાઓના શહેરમાં કાણો રાજા એવું વિધાન કરીને સૌને ચોંકાવી દીધા હતા. સરકારે આ બાબતમાં એવી પ્રતિક્રિયા આપી હતી કે રઘુરામ રાજન આ જ વાત વધુ સારી ભાષામાં કહી શક્યા હોત.

પોતાના તોફાની અંદાજ માટે જાણીતા અને તાજેતરમાં રાજ્યસભામાં નિયુક્ત થયેલા ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ હમણાં એવું કહ્યું હતું કે રઘુરામ રાજનને વહેલી તકે પાછા શિકાગો મોકલી આપવા જોઈએ. અલબત્ત, તેમનો અભિપ્રાય સરકારની લાગણી વ્યક્ત કરે છે એવું તો ન કહી શકાય પરંતુ તમામ બાબતોમાં એકબીજાથી વિપરીત દિશામાં ચાલતા અને વિચારતા અરુણ જેટલી અને સ્વામી કમ સે કમ રઘુરામ રાજનની બાબતમાં આશ્ચર્યજનક રીતે સમાન દૃષ્ટિકોણ ધરાવતા હોવાનું જણાય છે.

મૌદ્રિક નીતિની બાબતમાં સમિતિની રચના કરીને સરકારે આ બાબતમાં રિઝર્વ બેંકના ગવર્નરની કામગીરીમાં પોતાની દખલનો ઈરાદો સ્પષ્ટ કર્યો છે ત્યારે કહેવું જોઈએ કે વિશ્વના વિકસિત દેશોનાં અર્થતંત્રો કરતાં ભારત જુદું ઉદાહરણ પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. અન્ય દેશોમાં મૌદ્રિક નીતિને રાજનીતિથી શક્ય તેટલી દૂર રાખવામાં આવે છે. સરકાર તેમાં ઓછામાં ઓછી દખલ કરે છે. ભારતમાં પણ આવી જ પરંપરા રહી છે, પરંતુ હવે તેમાં બદલાવના સંકેત મળી રહ્યા છે. રઘુરામ રાજનના નિર્ણયો અને કાર્યશૈલી દેશનાં કોર્પોરેટ ગૃહોને પસંદ નથી. રાજન તેમની અગ્રતા ફુગાવાને નિયંત્રણમાં રાખવાની હોવાનું સ્પષ્ટ કહે છે. ઉદ્યોગજગત અને કોર્પોરેટ ગૃહોને તેમની બીજી ન ગમતી બાબત બેંકની લોનની સખ્તાઈથી વસૂલી કરવાનું વલણ છે. રઘુરામ રાજને આ બાબતમાં બેંકોને તાકીદ કરી છે. પરિણામ એ આવ્યું છે કે કેટલાંક કોર્પોરેટ ગૃહોને જંગી લોનોની ચુકવણી માટે તેમની સંપત્તિ વેચવાની નોબત આવી છે.

કોર્પોરેટ ગૃહોને આ વસમું લાગે છે પણ દેશના અર્થતંત્રની મજબૂતી માટે રઘુરામ રાજનનું વલણ એકદમ વાજબી છે. રઘુરામ રાજનની ત્રણ વર્ષની મુદત આગામી ઓગસ્ટમાં પૂરી થઈ રહી છે. સરકાર તેમને બીજાં ત્રણ વર્ષની મુદત લંબાવી આપે છે કે કેમ એ જોવાનું રસપ્રદ બનશે. તેમની મુદત નહીં લંબાવાય તો તેઓ શિકાગો યુનિવર્સિટીમાં તેમના સ્થાને પાછા ફરશે, પરંતુ ભારત માટે એ કેટલું હિતાવહ બનશે એ વિચારવાનું રહે છે.

admin

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

5 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

5 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

6 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

7 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

7 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

8 hours ago