PM મોદીજીએ પોતાના સંસ્કાર છતા કરી દીધાઃ રેણુકા ચૌધરી

નવી દિલ્હી, ગુરુવાર
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ માટે થયેલી ચર્ચાનો જવાબ આપતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન અટ્ટહાસ્ય કરી રહેલાં સાંસદ રેણુકા ચૌધરીના અટ્ટહાસ્યને મોદીએ આડકતરી રીતે રાક્ષસી ગણાવ્યું હતું. તેના જવાબમાં રેણુકા ચૌધરીએ જણાવ્યું હતું કે આ બાબતે હું તો શું કહું? મોદીએ પોતાના સંસ્કાર છતા કરી દીધા છે.

રેણુકા ચૌધરીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન જે કંઈ બોલ્યા છે તેના પર હું શું કહી શકું? વડા પ્રધાને પોતાના સંસ્કાર આ રીતે બતાવી દીધા છે. તેમણે એ બતાવી દીધું છે કે તેઓ કયા સ્તર સુધી જઈ શકે છે. મારા હાસ્યના ચાહકો દેશભરમાં છે.

રેણુકા ચૌધરીએ જણાવ્યું હતું કે આવી ગ‌િરમાનો અભાવ અને મર્યાદાને જોઈ જોઈને અમે અહીં સુધી પહોંચ્યાં છીએ એટલા માટે અમારો અવાજ બુલંદ રહે છે અને અમે લડીએ છીએ. એક સ્મિત કે હાસ્યમાં દેશના વડા પ્રધાન પુરુષ થઈને આવું બોલી શકે છે તો હું તેમની જેમ આટલી નીચે જઈ શકતી નથી. મારો અવાજ હંમેશાં બુલંદ રહેશે. વડા પ્રધાન માટે આ વાત શરમજનક છે.

મોદીની આ કોમેન્ટ બાદ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે રેણુકા જ્યારે કોઈ કોમેન્ટ કરી રહ્યાં હતાં ત્યારે વડા પ્રધાને આવી કોમેન્ટ કરી હતી તેના પર રેણુકા ચૌધરીએ જણાવ્યું હતું કે મને તેમના પર દયા આવે છે અને તેમની પોતાની પણ મજબૂરી છે. તેમના પક્ષમાં લોકો મહિલાઓનો આ રીતે ઉપયોગ કરે છે.

You might also like