GSTમાં જોઈન્ટ પ્રોપર્ટી પર માલિકોને ૨૦-૨૦ લાખ સુધીની છૂટછાટ

નવી દિલ્હીઃ નાના વેપારીઓ માટે નિર્ધારિત રૂ.૨૦ લાખના ટર્નઓવર સુધી જીએસટીમાંથી છૂટની મર્યાદા સંયુક્ત પ્રોપર્ટીના મામલે તમામ માલિકોને અલગ અલગ મળશે. જીએસટી લાગુ થયા બાદ છેડાયેલા વિવાદમાં કેરળની ઓથોરિટી ઓફ એડ્વાન્સ રુલિંગના ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જોઇન્ટ પ્રોપર્ટી પર તમામ માલિકોને ૨૦-૨૦ લાખ સુધી જીએસટીમાં છૂટ મળશે.

જો પ્રોપર્ટીની કુલ વાર્ષિક આવક રૂ. ૨૦ લાખથી વધુ હોય, પરંતુ કોઇ સંયુક્ત માલિકને ૨૦ લાખથી ઓછો હિસ્સો મળતો હોય તો તેને જીએસટી રજિસ્ટ્રેશન લેવાની જરૂર રહેશે નહીં. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે આ ચુકાદાની દુરોગામી અસરો પડશે.

કારણ કે સર્વિસ ટેક્સનાં જીએસટીમાં સામેલ થયા બાદ લાખોની સંખ્યામાં પ્રોપર્ટીનાં સંયુક્ત માલિકો પર રજિસ્ટ્રેશન અને ટેક્સ કોમ્પ્લાયન્સની તલવાર લટકી રહી હતી. સંયુક્ત માલિકી હક ધરાવતી પ્રોપર્ટી પર તેમાંથી થતી આવક સરખી વહેંચવામાં આવે છે તો ૨૦ લાખની મુક્તિ મર્યાદા બધાને અલગ અલગ મળશે.

You might also like