Team Indiaના કેપ્ટન અને વાઇસ કેપ્ટન આજે મુંબઈમાં આમનેસામને

મુંબઈઃ વર્તમાન વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલની ૧૧મી સિઝનમાં હારની હેટટ્રિક લગાવી ચૂકી છે અને હવે ચોથી મેચમાં આજે તેનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) સામે થશે. આજના મુકબલામાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા આમને-સામને ટકરાશે.

આ સાથે જ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સની વર્તમાન સિઝનની આ ત્રીજી મેચ હશે અને તે પોતાના ઘરમાં સતત ત્રીજા પરાજયથી બચવા તમામ કોશિશ કરશે. મેચ રાત્રે ૮.૦૦ વાગ્યે શરૂ થશે.

મુંબઈની ટીમ ત્રણ પરાજય બાદ પોઇન્ટ ટેબલમાં છેક તળિયે જઈને બેઠી છે. મુંબઈએ આ સિઝનની પ્રથમ મેચમાં આ જ મેદાન પર સીએસકે સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં હૈદરાબાદે મુંબઈને પોતાના ઘરઆંગણે હરાવ્યું હતું. ત્રીજી મેચ દિલ્હી સામે વાનખેડેમાં રમાઈ હતી, જેમાં પણ મુંબઈનો પરાજય થયો હતો, જોકે આ ત્રણેય મેચ ઘણી જ રોમાંચક રહી હતી અને અંતિમ ઓવર સુધી મેચ ચાલી હતી.

જ્યારે આરસીબીને ત્રણમાંથી ફક્ત એક મેચમાં જ જીત મળી છે. આજની મેચમાં મુંબઈ પોતાના જૂના પરાજયને ભૂલીને નવી શરૂઆત કરવાના ઇરાદાથી મેદાનમાં ઊતરશે. ઘરઆંગણે રમતા મુંબઈને તેનો ફાયદો પણ મળી શકે છે.

મુંબઈનો બેટિંગ ક્રમ શરૂઆતની બંને મેચમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો અને જ્યારે તેના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું તો તેમની બોલિંગ આક્રમણ નબળું પડી ગયું. આમ, બંને વિભાગોએ એકસાથે મળીને ટીમની ટીમ માટે પ્રયાસ કરવાની જરૂર છે. કેપ્ટન રોહિતની કોશિશ રહેશે કે તે પોતાની ટીમમાં સંતુલન જાળવી રાખે.

મુંબઈની બેટિંગની તાકાત એવિન લૂઇસ, રોહિત શર્મા અને કિરોન પોલાર્ડ છે. ટીમની જીત માટે આ ત્રણેયે સારું પ્રદર્શન કરવું બહુ જ જરૂરી છે. જ્યારે હાર્દિક પંડ્યા, તેનો ભાઈ કૃણાલ પંડ્યા બેટથી તોફાની પ્રદર્શન કરી શકે છે.

બોલિંગમાં લેગ સ્પિનર મયંક માર્કન્ડેયના રૂપમાં મુંબઈને આ વર્ષે નવું હથિયાર મળ્યું છે. અત્યાર સુધી તે ઘણો જ ઉપયોગી સાબિત થયો છે. આ સાથે અકિલા ધનંજયના રૂપમાં મુંબઈ પાસે એક સારો વિકલ્પ છે.

મુસ્તફિઝુર રહેમાન પર જસપ્રીત બૂમરાહને સાથ આપવાની જવાબદારી છે. રહેમાને અંતિમ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી છે. તે બૂમરાહ બાદ ડેથ ઓવરનો નિષ્ણાત બોલર બની ગયો છે.

You might also like