RBIની પોલિસી અને વૈશ્વિક પરિબળો શેરબજાર માટે મહત્વનાં બની રહેશે

સપ્તાહના અંતે ગઇ કાલે છેલ્લે બીએસઇ સેન્સેક્સ ૧૩.૯૧ પોઇન્ટના સુધારે ૨૮,૨૪૦.૫૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૬.૭૦ પોઇન્ટના સુધારે ૮૭૪૦.૯૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો છે. સપ્તાહના અંતે શેરબજાર ૧.૨૫ ટકાના સુધારે બંધ જોવાયું હતું. સામાન્ય બજેટ રજૂ કરાયા બાદ શેરબજારને સપોર્ટ મળ્યો હતો એટલું જ નહીં બીએસઇના આઇપીઓનું ગઇ કાલે ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું.

ગઇ કાલે છેલ્લે ઇશ્યૂ પ્રાઇસથી ૩૨ ટકા ઊંચા ૧૦૬૯ના ભાવે શેર બંધ જોવાયો હતો. સેન્ટિમેન્ટ જોતાં બજારમાં ઉત્સાહમાં વધારો નોંધાયો છે, જોકે આગામી સપ્તાહે બુધવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક છે. આરબીઆઇ વ્યાજના દરમાં ઘટાડો કરે તો તેની બજાર ઉપર ચોક્કસ સકારાત્મક અસર જોવાશે. પોલિસી પૂર્વે ચાલુ સપ્તાહે બેન્ક નિફ્ટીમાં ૨.૪૮ ટકાનો વધારો નોંધાયો છે.

દરમિયાન સરકાર બજેટ બાદ જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે વધુ પગલાં લઇ શકે છે, જેમાં ડિસઇન્વેસ્ટમેન્ટ ઉપર ફોકસ વધારી શકે છે, જેના પગલે પીએસયુ કંપનીના શેરમાં કરંટ જોવા મળ્યો છે. એટલું જ નહીં ગોવા અને પંજાબ વિધાનસભાની ચૂંટણી પણ આજથી શરૂ થઇ રહી છે ત્યારે બજાર ઉપર તેના ટ્રેન્ડની અસર નોંધાઇ શકે છે. વૈશ્વિક બજારમાં ખૂબ જ ઝડપથી સ્થિતિ બદલાઇ રહી છે. ક્રૂડના ભાવમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

એ જ પ્રમાણે અમેરિકામાં વેપાર નીતિઓ બદલાઇ રહી છે. તેની વૈશ્વિક શેરબજારો ઉપર અસર જોવા મળી રહી છે ત્યારે બદલાતી પરિસ્થિતિ અનુસાર સ્થાનિક બજારો માટે પણ આ પરિબળો મહત્ત્વનાં સાબિત થઇ શકે છે.

આગામી સપ્તાહે આ અગ્રણી કંપનીઓનાં પરિણામ આવશે
આગામી સપ્તાહે સોમવારે જીએસપીએલ, ગુજરાત ગેસ કંપનીનાં પરિણામ આવશે, જ્યારે મંગળવારે ભેલ, સિયેટ, આઇડીબીઆઇ, એનએચપીસી, પીએનબી, ટાટા સ્ટીલ અને સેરા, બુધવારે સિપ્લા, એલિકોન, હીરો મોટો કોર્પ, મન્નાપુરમ, એનટીપીસી, પોલારીસ, સિમેન્સ, ટાટા કેમિકલ્સ અને યુનિયન બેન્કનાં રિઝલ્ટ આવશે. ગુરુવારે એબીબી, બીપીસીએલ, ક્રેઇન, આંધ્ર બેન્ક, એસ્કોર્ટ, લ્યુપિન અને વ્હીલ્સ કંપનીનાં પરિણામ આવશે, જ્યારે શુક્રવારે બેન્ક ઓફ બરોડા, બીઇએમએલ, ગેઇલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઇ અને ટાટા પાવર કંપનીનાં પરિણામ આવશે.
http://sambhaavnews.com/

You might also like