RBIની મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરમાં ફેરફાર થવાની શક્યતા ઓછી

મુંબઇ: આવતી કાલથી બે દિવસ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક મળી રહી છે. આરબીઆઇ વ્યાજના દરમાં ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે. બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે એક બાજુ વૈશ્વિક ક્રૂડના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ૭૦ ડોલરની સપાટીએ પહોંચી ગયું છે.

ઊંચી આયાત પડતરના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. બીજી બાજુ કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓના ઊંચા ભાવના કારણે ફુગાવાનો આંક વધે તેવી શક્યતા છે ત્યારે આ પરિસ્થિતિમાં આરબીઆઇ વ્યાજના દરમાં ઘટાડો કરે તેવી શક્યતા ઓછી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની આરબીઆઇની પ્રથમ મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરની સ્થિતિ યથાવત્ જાળવી રાખી શકે છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રીના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક સમયગાળામાં ફુગાવો આરબીઆઇના ટાર્ગેટ કરતાં વધુ છે, જેના કારણે આરબીઆઇ બેઠકમાં સંતુલિત દૃષ્ટિકોણ અપનાવી શકે છે, જોકે સરકાર ફુગાવો અને રાજકોષીય ખાધનાં જોખમોને લઇને સતર્ક છે.

આ અગાઉ ૫-૬ ડિસેમ્બરે મળેલી નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં આરબીઆઇએ વધતી જતી મોંઘવારીને લઇને નીતિગત વ્યાજના દરમાં કોઇ જ ફેરફાર કર્યો ન હતો. જોકે બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇની આ બેઠક બેન્કના બહાર આવેલાં કૌભાંડ બાદ પ્રથમ બેઠક છે, જેના પગલે આરબીઆઇની ‘કોમેન્ટ્રી’ મહત્ત્વની બની રહેશે.

You might also like