૩૧ NBFCનાં રજિસ્ટ્રેશન રદઃ રિઝર્વ બેન્ક એક્શન મોડમાં

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૩૦ જૂનથી ૨ ઓગસ્ટ વચ્ચે કુલ ૩૧ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી)ના રજિસ્ટ્રેશન રદ કર્યાં છે, જોકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ અંગે કોઇ કારણ દર્શાવ્યું નથી.

રિઝર્વ બેન્કે માત્ર એટલું જણાવ્યું છે કે ૩૧ એનબીએફસીનાં રજિસ્ટ્રેશન રદ કરાયાં છે તેમાંથી ૨૭ એનબીએફસી પશ્ચિમ બંગાળની છે.

એનબીએફસીની વધી રહેલી નાણાકીય મુશ્કેલી અને સંકટ વચ્ચે આરબીઆઇએ આ નિર્ણય લીધો છે. આરબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ બાદ બીજો નંબર ઉત્તરપ્રદેશનો આવે છે.

આરબીઆઇએ એનબીએફસના રજિસ્ટ્રેશન રદ કરતી વખતે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે હવે એનબીએફસી કે જેમનાં રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યાં છે તે કોઇ બિઝનેસ કરી શકશે નહીં. આરબીઆઇએ એવું પણ જણાવ્યું છે કે લાઇસન્સ રદ કરવા માટે સૌથી વધુ અરજી પશ્ચિમ બંગાળમાંથી મળી છે.

આરબીઆઇની જાહેરાત મુજબ જે કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે તેમા હૈદરાબાદની રામકી ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો પણ સમાવેશ થાય છે. એ જ રીતે યદીમાં પોપિકોન ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટનો પણ સમાવેશ થાય છે.

આરબીઆઇના રેગ્યુલેશન હેઠળ દેશમાં ૧૨ હજારથી વધુ એનબીએફસી રજિસ્ટર્ડ છે. આઇએલએન્ડએફએસ ગ્રૂપની કંપનીઓના ડિફોલ્ટ બાદ એનબીએફસી ક્ષેત્રને કેશ કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે ગત શુક્રવારે એનબીએફસીના નિયમો વધુ કડક બનાવવાની યોજના કરી છે. આ ઉપરાંત એનબીએફસીના શોર્ટ ટર્મ ફન્ડિંગ પરની નિર્ભરતા ઘટાડીને લોંગ ટર્મ ફન્ડિંગના ઉપયોગ પર પ્રાધાન્ય આપવા જણાવાયું છે.

You might also like