RBI દ્વારા અલ્હાબાદ બેન્ક પર હાઈ રિસ્ક લોન-‌િડપોઝિટ લેવા પર પ્રતિબંધ મુકાયો

મુંબઇ: નીરવ મોદીના બહાર આવેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાદ આરબીઆઇએ જાહેર ક્ષેત્રની બેન્કો સામે લાલ આંખ કરી છે. ધિરાણ પૂરું પાડવા દેના બેન્ક પર મર્યાદા લાગુ કરાયા બાદ હવે અલ્હાબાદ બેન્ક પર પણ ગાળિયો કસ્યો છે. આરબીઆઇએ ઊંચા જોખમ-હાઈ રિસ્કવાળા સેક્ટરમાં લોન આપવી અને ઊંચા ખર્ચે થાપણો એકત્રિત કરવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇએ જાહેર ક્ષેત્રની બેન્કોમાં ત્વરિત સુધારાત્મક કાર્યવાહી કરવાના ભાગરૂપે આ પ્રતિબંધ લગાવ્યો છે.

દરમિયાન શેરબજારને આપવામાં આવેલી જાણકારીમાં અલ્હાબાદ બેન્કે વધુમાં જણાવ્યું કે રિઝર્વ બેન્કે બેન્કના કેપિટલ એડિક્વેશી રેશિયો અને ડેબ્ટ રેશિયોની સ્થિતિને ધ્યાનમાં લઇને આ પગલું ભર્યું છે.  આ અગાઉ આરબીઆઇએ અલ્હાબાદ બેન્કને હાઈ રિસ્ક લોન આપવામાં ઘટાડો કરવા જણાવ્યું હતું. નોંધનીય છે કે અન્ય જાહેર ક્ષેત્રની બેન્ક જેવી કે યુકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઓરિયન્ટલ બેન્કની ક્રેડિટ તથા ફાઈનાન્શિયલ સ્થિતિ પ્રમાણમાં નબળી છે.

આ બેન્ક હાલ પીસીએ-પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન હેઠળ છે. દરમિયાન બહાર આવેલા કૌભાંડ તથા વધતી નોન પર્ફોર્મિંગ એસેટ તથા નબળા પરિણામના પગલે બેન્કોની આર્થિક સ્થિતિ પણ નબળી પડી રહી છે. ગુરુવારે મળનારી બેઠકમાં સરકાર બેન્કોની કામગીરીની સમીક્ષા કરશે. પાછલા સપ્તાહે જ અલ્હાબાદ બેન્કે ત્રિમાસિક સમયગાળાનાં પરિણામ જાહેર કર્યાં હતાં, જેમાં કુલ ચોખ્ખી ખોટ વધીને રૂ. ૩,૫૦૯.૬૩ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે.

You might also like