RBIની પોલિસી શેરબજારની ભાવિ દિશા નક્કી કરશે

આગામી સપ્તાહે મંગળવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક છે, જેમાં રેટ કટની વાત નિશ્ચિત છે, પરંતુ આ રેટ કટ કેટલો આવે છે તેના ઉપર બજારની ટૂંકા ગાળાની ભાવિ ચાલ જોવાશે. ખાસ કરીને બેન્કિંગ સેક્ટર સહિત ઓટો અને રિયલ્ટી સેક્ટરના શેર્સમાં સકારાત્મક ચાલ જોવાઇ શકે છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ આગામી પોલિસીમાં ૦.૫૦ ટકાનો રેપો રેટમાં ઘટાડો કરે તો બજારમાં રોકેટ ગતિએ ટૂંકા ગાળામાં સુધારા તરફી ચાલ જોવાઇ નિફ્ટી ૮૦૦૦ની સપાટી ક્રોસ કરી શકે છે.આગામી સપ્તાહે બીજી ઓક્ટોબરે શુક્રવારે શેરબજારમાં રજા રહેશે. આમ, ચાર દિવસનું ટૂંકું સપ્તાહ રહેશે. બજાર ઓક્ટોબર મહિનામાં પ્રવેશી રહ્યું છે ત્યારે હવે બીજા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામો ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચાલુ થઇ જશે. વૈશ્વિક પરિબળોની સાથેસાથે બિહારની ચૂંટણીનાં પરિણામો બજાર માટે એટલા જ મહત્ત્વનાં બની શકે છે. આમ, નિફ્ટી ૭૮૦૦ મહત્ત્વનું સપોર્ટ લેવલ છે. આ સપાટી તૂટી તો ૭૭૨૩ની સપાટીએ નિફ્ટી જોવાઇ શકે છે. એ જ પ્રમાણે નિફ્ટી ૮૦૦૦ મહત્ત્વનું અવરોધ લેવલ ગણાવી શકાય. આ સપાટી ક્રોસ કરે તો નિફ્ટી ૮૦૫૦ અને ૮૧૦૦ની સપાટીએ પણ જોવાઇ શકે છે.
You might also like