VIDEO: ભાવનગર-રાજકોટ હાઇ-વે પર જાનૈયાઓથી ભરેલી ટ્રક ખાબકતા 31નાં મોત

અમદાવાદ: ભાવનગર-રાજકોટ હાઇ-વે પર બોટાદનાં રંઘોળા નજીક આજે સવારે જાનૈયાઓથી ખીચોખીચ ભરેલી ટ્રક નાળામાં ખાબકતાં બનેલી ગોઝારી ઘટનામાં 31 જાનૈયાનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયાં હતાં.

જ્યારે 29થી વધુને ઇજા પહોંચતા ભાવનગર અને બોટાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે જેમાંથી ચાર લોકોનાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાં હતાં. મૃત્યુ પામનાર લોકોમાં 18 પુરૂષો, 9 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર સમગ્ર વિગત એવી છે કે, રાજકોટ-ભાવનગર રોડ પર બોટાદ નજીક રંઘોળા ગામ પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસેથી આજે સવારે ૮-૦૦ વાગ્યાના સુમારે કોળી પરિવારની જાન ટ્રકમાં પસાર થઇ રહી હતી ત્યારે ટ્રકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

વાતાવરણ જાનૈયાઓની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યું
જાનૈયાઓથી ખીચોખીચ ભરેલી ટ્રક ગઢડા તરફ જવાની હતી. જાનૈયાઓ ટ્રકમાં મોજમસ્તી કરતાં હતા ત્યારે અચાનક રંઘોળા પાસે ટ્રક નાળામાં ખાબકતા તમામ જાનૈયાઓના જીવ પડીકે બંધાઇ ગયા હતા અને બચાવો બચાવોની ચિચિયારીઓથી વાતાવરણમાં ગમગીની છવાઇ હતી.

શિહોરના અનીડા ગામની જાન ટાટમ ગામે જઇ રહી હતી
શિહોર નજીક આવેલા અનીડા ગામની કોળી પરિવારની જાન ગઢડા નજીક આવેલ ટાટમ ગામે જઇ રહી હતી આ જાનમાં ઓછામાં ઓછા ૬૦ થી ૭૦ જાનૈયાઅોને ટ્રકમાં બેસાડાયા હતા. આ અકસ્માતમાં 31 જાનૈયાઓ કાળનો કોળિયો બની ગયા હતાં.

મોતનાં માતમ વચ્ચે પણ લગ્નવિધિ ચાલુ રખાઇ
અનીડાથી ટાટમ જઇ રહેલી કોળી પરિવારની જાન ભરેલી ટ્રક નાળામાં ખાબકતાં 31 જાનૈયાઓનાં મોત થયા હતા. વરરાજા કારમાં આગળ નીકળી ગયા હોવાથી તેને આ વાતની જાણ કરવામાં આવી ન હતી. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા અને તેના મોટાભાઇના પરિવારના સભ્યોનાં મોત થયા હતા. પરંતુ વરરાજા ટાટમ પહોંચી ગયા હોવાથી તેને આની જાણ કરાઇ ન હતી અને લગ્નવિધિ રાબેતા મુજબ ચાલુ રખાઇ હતી.

સી.એમ. કાર્યાલયે અકસ્માતની ઘટનાની વિગતો મંગાવી
રંઘોળા પાસે આજે સવારે બનેલા આ અકસ્માતના બનાવમાં 31 લોકોનાં મોત અને 29થી વધુને ઇજા પહોંચવાની ઘટનાની સી.એમ. કાર્યાલયે પણ ગંભીર નોંધ લીધી છે અને આ બનાવની તમામ વિગતો મંગાવવામાં આવી છે.

૧૦૮ની પાંચ ટીમો ઘટના સ્થળે
રંઘોળા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતાં ૧૦૮ની પાંચ ટીમો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને યુદ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરી ટ્રકના કાટમાળ નીચે દબાયેલાઓને બહાર કાઢી હોસ્પિટલે ખસેડયા હતા.

You might also like