Nifty દશ હજારની નીચે નહીં જાયઃ રાકેશ ઝુનઝુનવાલા

નવી દિલ્હી: દિવાળી આવી ગઇ છે ત્યારે રોકાણકારોને સમૃદ્ધિ માટે એવા ગુરુમંત્રોની પ્રતીક્ષા હોય છે કે જે તેમના પોર્ટફોલિયો સાથે જોડી દેવાથી તેમને જોરદાર રિટર્ન પ્રાપ્ત થાય. આ અંગે દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે શેરબજારમાં રોકાણ માટે ચિંતા કરવાની જરૂર નથી.

ઝુનઝુનવાલાએ વધુમાં જણાવ્યું હતું કે ખરાબ માહોલમાં પણ શેરમાર્કેટનો દેખાવ જબરદસ્ત છે અને નવી ટોચ પર પહોંચ્યા બાદ બજાર થાકી જતા થોડું કરેક્શન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આગામી ચૂંટણી, ટ્રેડ વોર, રૂપિયો અને ક્રૂડ ઓઇલ બજારની દિશા નક્કી કરશે.

જોકે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નિફ્ટી દશ હજારની નીચે નહીં જાય અને ક્રૂડ ઓઇલમાં હજુ વધુ ઘટાડો થશે. રૂપિયો વધુ નબળો થવાની તેમને આશંકા નથી. ડોલર સામે રૂપિયો ૭૦-૭૧ની સપાટી પર મજબૂત રહેશે, જોકે રાકેશ ઝુનઝુનવાલાએ ટ્રેડ વોરને લઇને સતર્ક રહેવાની સલાહ આપી છે.

યુરોમાં ઘટાડો નિશ્ચિત છે અને યુરો તૂટશે તો બજારમાં ઘટાડો આવશે. તેમનું કહેવું છે કે બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે, પરંતુ જીડીપી ગ્રોથ ૭.૫થી ૮ ટકા રહેવાની આશા છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે કેન્દ્રમાં મોદીના વડપણ હેઠળ ભાજપ સરકાર ફરી ચૂંટાશે.

You might also like