VIDEO: રાજપીપળામાં આદિવાસી મહાસંમેલનમાં ગણપત વસાવાનો કરાયો ઉગ્ર વિરોધ

ગુજરાતઃ રાજપીપળા ખાતે આજે આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાગ લેવા માટે આદિજાતિ મંત્રી ગણપત વસાવા ત્યાં આવી પહોંચ્યાં હતાં. જો કે કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા મંત્રીને લોકોનાં વિરોધનો ભારે સામનો કરવો પડયો હતો.

આદિવાસી સમાજનાં લોકોએ વસાવાનો વિરોધ કરતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. આ વિરોધ થતાં ગણપત વસાવા કાર્યક્રમ છોડીને નીકળી ગયાં હતાં. આ નારાજ લોકોએ વિરોધ કરવાની સાથે જ તેમની કારને પણ નિશાન બનાવી હતી તેમજ કાર પર પથ્થરમારો પણ કર્યો હતો. આ પથ્થરમારાનાં કારણે કારનાં કાચ પણ તૂટી ગયાં હતાં.

જો કે આદિવાસી લોકોનું એવું કહેવું છે કે,”આદિવાસીમાં ભરવાડ, ચારણ અને સિદ્દી મુસલમાનોની જાતિઓને આદિવાસીઓમાં સમાવેશ કરીને ગણપત વસાવાએ આદિવાસી વિરોધી કામ કર્યું છે. જેથી અમે વિરોધ કરીએ છીએ.” જો કે આ બાબતે મીડિયાએ ગણપત વસાવાને પૂછતાં તેઓએ મીડિયાને કંઇ પણ કહેવાની ના પાડી માત્ર તેઓએ ચાલતી પકડી હતી.

You might also like