VIDEO: રાજકોટનાં વેરાવળમાં 3 કલાકમાં જ 7 ઇંચ વરસાદ, 150થી વધારે લોકોનું સ્થળાંતર

રાજકોટમાં વહેલી સવારથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંય સમયથી રાજકોટવાસીઓ મેઘરાજાનાં આગમનની રાહ જોઇ રહ્યાં હતાં. ત્યારે ગુરૂવારનાં રોજ મોડી રાત્રે શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો.

મહત્વનું છે કે ગઇ કાલે પણ શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં આજી નદીમાં પણ પૂર આવ્યું હતું. શહેરનાં શાપર વેરાવળ વિસ્તારમાં 3 કલાકમાં જ 7 ઈંચ જેટલો વરસાદ પણ નોંધાયો છે. જો કે આ ભારે વરસાદનાં કારણે 150થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે ગણેશનગર વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં છે.

રાજકોટનાં લોધિકા ગામ પાસે પણ ભારે વરસાદને પગલે ટ્રેકટર સાથે 3 લોકો તણાયાં હતાં. આ ઉપરાંત ઉપરવાસમાં પડેલાં વરસાદને પગલે શહેરની આજી નદી અને ન્યારી નદીમાં પણ પાણીની આવકમાં વધારો થયો હતો.

ઉપરવાસમાં થયેલાં ભારે વરસાદને પગલે આજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને હજારો લોકોની આસ્થાના પ્રતીક સમાન સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ દ્રશ્યો જોવાં માટે ત્યાં સ્થાનિકોની ભારે ભીડ પણ ઉમટી હતી. બીજી તરફ ન્યારી નદીમાં પણ પાણીની આવકમાં વધારો થતાં ગણતરીનાં કલાકોમાં જ તેની સપાટી 5 ફૂટ જેટલી વધી ગઈ હતી.

You might also like