MPમાંથી સસ્તા ભાવે હથિયારો લાવી રાજ્યમાં વેચવાનું કારસ્તાન ઝડપાયું

અમદાવાદ, શુક્રવાર
મધ્યપ્રદેશમાંથી સસ્તાભાવે ઘાતક હથિયારો લાવી ગુજરાતભરમાં આવાં હથિયારો વેંચવાના કારસ્તાનનો રાજકોટ પોલીસે પર્દાફાશ કરી હથિયાર સાથે બે શખસની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ પોલીસ કમિશનરને બાતમી મળી હતી કે, સરધાર ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ તત્ત્વો દ્વારા ઘાતક હથિયારોનું રાજ્યભરમાં વેચાણ કરવામાં આવે છે. આ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાંચે મોડી રાત્રે સરધાર ગામની સીમમાં છાપો માર્યો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી ચાર રિવોલ્વર અને રપ કારતુસ કબજે કરી વાડીના માલિક પિન્ટુ સુરેશ સાઇજા અને હિતેશ બાબુ ડવ નામના બે શખસની ધરપકડ કરી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પૂછપરછ દરમ્યાન પકડાયેલા આ બંને શખસો મધ્યપ્રદેશમાંથી સસ્તા ભાવે હથિયાર લાવી રાજ્યભરમાં ઊંચા ભાવે વેંચતા હતા.

આવા હથિયારો આ ગુનેગારોએ રાજ્યમાં ક્યાં ક્યાં અને કોને આપ્યા છે તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. તેમજ હથિયારો આપનાર મધ્યપ્રદેશના શખસને પણ ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

You might also like