VIDEO: રાજકોટમાં યોજાયું કોળી સમાજનું સંમેલન, વધુ એક કોળી નેતાની નારાજગી

રાજકોટઃ શહેરમાં કોળી સમાજનું સંમેલન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કોળી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી ચૂંટણીને ધ્યાને રાખી કોળી આગેવાનોને કોંગ્રેસ સાથે રાખવા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી સહિત મોટી સંખ્યામાં કોળી આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે. બીજી તરફ વધુ એક કોળી નેતા કોંગ્રેસથી નારાજ જોવા મળી રહ્યાં છે.

પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોર્ચાનાં મંત્રી માવજી શિયાળે કોંગ્રેસ સામે પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, કોંગ્રેસમાં કોળી સમાજને ઓછું મહત્વ મળી રહ્યું છે. ભાજપ કરતાં કોંગ્રેસમાં કોળી સમાજને ઓછું મહત્વ આપવામાં આવી રહ્યું છે. પ્રદેશ લેવલે કોળી સમાજને વધુમાં વધુ સ્થાન આપવા માટે રજૂઆત કરવામાં આવશે. આ સાથે માવજી શિયાળે કોંગ્રસમાંથી ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયાને લઈ કહ્યું કે, કુંવરજીનાં જવાંથી કોંગ્રેસને મોટી અસર પડશે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં પીઢ નેતા કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યાં બાદ સૌરાષ્ટ્રનાં કોળી સમાજમાં નવા ઉમેદવારને લઇને ઉગ્ર ચર્ચાઓ શરૂ થઇ હતી. ત્યારે આજ રોજ રાજકોટ ખાતે યોજાયેલ કોળી સંમેલનમાં કોંગ્રેસી નેતાઓની હાજરીમાં નવા ચહેરાને લઇને વિશેષ રૂપે ચર્ચા કરવામાં આવી હતી.

You might also like