Categories: Gujarat

રાજકોટમાં આભ ફાટ્યુંઃ ર૪ કલાકમાં ૧૭ ઇંચ વરસાદ

અમદાવાદ: રાજકોટમાં બારે મેઘ ખાંગા થયા છે. છેલ્લા ર૪ કલાક દરમ્યાન રાજકોટમાં ૧૭ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. અવિરત પડી રહેલા વરસાદના પગલે વહીવટીતંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ નજીકના ટંકારા, જો‌િડયા, ધ્રોલ અને ચોટીલામાં પણ અતિભારે વરસાદના કારણે ભારે હાલાકી સર્જાઇ છે. ભારે વરસાદના કારણે પ્રવર્તી રહેલી પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર તંત્રને સાબદું કરી સાવચેતીનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

રાજકોટમાં ગઇ કાલ બપોરથી ધીમી શરૂઆત સાથે શરૂ થયેલા વરસાદે રાત્રે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વીજળીના ચમકારા અને કડાકાભડાકા સાથે એક રાતમાં ૧૭ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં રાજકોટનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જંગલેશ્વર, કોઠા‌િરયા, રૈયા અને મૌવા વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાતાં આ તમામ વિસ્તારો સંપર્કવિહોણા બની ગયા છે.

વહીવટીતંત્રએ ઠેર ઠેર રોડ પર પાણી ભરાતાં ૧પ૦ ફૂટના રિંગરોડને બંધ કરી દીધો છે અને બીઆરટીએસ રોડ પર અન્ય વાહનચાલકોને અવરજવર કરવાની છૂટ આપવામાં આવી છે.

દ્વીચક્રી વાહનો પર ન નીકળવા તાકીદ
ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિના પગલે વહીવટીતંત્રએ રાજકોટ શહેરમાં દ્વીચક્રી વાહનો પર લોકોને ન નીકળવા તાકીદ કરી છે અને કારમાં પણ બે વ્યક્તિઓ સાથે ન નીકળવા સૂચન કર્યું છે.

મેયર-નગરસેવકોને પોતાના વિસ્તારમાં પહોંચી જવા આદેશ
– અવિરત પડી રહેલા વરસાદના પગલે રાજકોટનું જનજીવન ભીંસમાં આવી ગયું છે ત્યારે લોકોને મુશ્કેલી ન પડે અને કોઇ તારાજી ન સર્જાય તે માટે સતત નજર રાખવા વહીવટીતંત્ર દ્વારા રાજકોટના મેયર અને તમામ નગરસેવકને પોતપોતાના વિસ્તારમાં પહોંચી જવા આદેશ અપાયો છે.

ભારે વરસાદના પગલે રાજકોટનાં તમામ બજાર અને શાળા-કોલેજો બંધ
એક રાતમાં જ ૧૭ ઇંચ વરસાદ ખાબકતાં રાજકોટવાસીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ જતાં લોકો અને વાહનોની અવરજવર લગભગ બંધ થઇ છે ત્યારે રાજકોટના વેપારીઓએ પણ આજે દુકાનો ન ખોલતાં બજાર બંધ રહ્યાં છે અને સાવચેતીનાં પગલાંરૂપે રાજકોટ શહેરની તમામ શાળા-કોલેજોને પણ બંધ રાખવામાં આવી છે.

પોલીસ કમિશનરના બંગલામાં પણ પાણી ઘૂસી ગયાં
રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં આવેલા પોલીસ કમિશનરના બંગલામાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. ફાયરબ્રિગેડના જવાનોએ તાબડતોબ પહોંચી જઇ પાણીનો નિકાલ કરવા માટે પ્રયત્ન શરૂ કર્યા છે.

કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી
રાજકોટના કલેકટરે ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની બેઠક બોલાવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહી વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમીક્ષા કરી હતી.

ચોટીલામાં બારે મેઘ ખાંગા
રાજકોટથી પ૦ કિ.મી.ના અંતરે આવેલા ચોટીલામાં બારે મેઘ ખાંગા થયા છે. છેલ્લા ૧ર કલાકમાં ચોટીલામાં ૧૮ ઇંચ વરસાદ ખાબક્યો છે. અવિરત પડી રહેલા વરસાદના કારણે ચોટીલામાં પણ લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.

ટંકારામાં ફરી ૧ર ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદના પહેલા રાઉન્ડમાં જ ટંકારામાં ભારે તારાજી ઊભી થઇ હતી ત્યારબાદ ગઇ રાતથી આજ સવાર સુધીમાં ફરી ૧ર ઇંચ વરસાદ ખાબકતાં ટંકારા જળબંબાકાર બની ગયું છે અને પરિસ્થિતિ કાબૂ બહાર થતાં રાજકોટથી રેસ્ક્યૂ ટીમ ટંકારા પહોંચી ગઇ છે. આ ઉપરાંત ટંકારામાં એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમોને પણ તહેનાત કરાઇ છે. ભારે વરસાદના કારણે બંગાવડી ડેમ ઓવરફલો થઇ ગયો છે.

– જોડિયા-ધ્રોલ પંથકમાં ૯ ઇંચ વરસાદઃ એકનું મોત
જોડિયા-ધ્રોલ પંથકમાં પણ રાતભર મુશળધાર વરસાદ વરસ્યો હતો. એક રાતમાં ૮ થી ૯ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું છે અને પશુપાલકોને પણ સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. જોડિયાના નીચાણવાળા વિસ્તારના એક મકાનમાં પાણી ઘૂસી જતાં વૃદ્ધાનું મોત થયું હતું.

ધ્રોલ નજીકનું હડિયાણા ગામ બેટ બન્યું
ધ્રોલ-જોડિયા પંથકમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જોડિયા નજીક આવેલું હડિયાણા ગામ બેટ બની ગયું છે અને લોકોનાં ઘરમાં પણ પાણી ઘૂસી જતાં વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઇ છે.

અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ રહ્યો છે, જોકે આકાશ વાદળોથી ગોરંભાયેલું રહેતાં ભારે વરસાદ પડશે તેવી લોકોને આશા છે.

જામનગરમાં ધીમી ધારે વરસાદ
જામનગર પંથકમાં પણ રાતભર ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ઉપરવાસના વરસાદના કારણે ઊંડ-ર ડેમ ઓવરફલો થઇ જતાં ડેમના રપ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

13 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

13 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

13 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

13 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

14 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

14 hours ago