રાજસ્થાનથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી અાવેલી ટર્બો ટ્રક ઝડપાઈ

અમદાવાદ: ગુંદરી ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરી અાવેલી ટર્બો ટ્રકને ઝડપી લઈ વિદેશી દારૂના જથ્થા સાથે રૂ. ૪૫ લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખસની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે પાથાવાડા પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટર્બો ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરી ગુજરાત તરફ અાવી રહી છે. અા બાતમીના અાધારે પોલીસે ગુંદરી ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં મોડી રાતે એક ટર્બો ટ્રક ચેકપોસ્ટ નજીકથી પસાર થતાં પોલીસે તેને રોકી તાડપત્રી ખોલી તલાશી લેતાં ઘઉંના ભૂસા નીચે છુપાવેલ વિદેશી દારૂની બોટલ ભરેલી ૭૮૩ પેટી મળી અાવી હતી. પોલીસે ટ્રકચાલક નેનુરામ દાદુરામ જાટની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.

અા શખસે પોલીસ પૂછપરછ દરમિયાન અા વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના બાડમેરથી ટર્બો ટ્રકમાં ભર્યો હતો અને અમદાવાદ તેમજ નડિયાદ પહોંચાડવાની હોવાની જાણકારી અાપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસ દરમિયાન ગુંદરી ચેકપોસ્ટ પરથી રૂ. સવા કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.

You might also like