દિલ્હી-NCRમાં સવારથી ધોધમાર વરસાદ: ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી તળાવ બની ગયું

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે અનેક સ્થળો પર પાણી ભરાયાં છે અને લોકો પરેશાન થયા છે. ઘણા લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે અને અનેક રસ્તા બંધ થઈ ગયા છે. રાજધાની નવી દિલ્હી ઉપરાંત એનસીઆર અને આસપાસના વિસ્તારમાં સવારથી જ મુશળધાર વરસાદ ખાબક્યો હતો.

દરમિયાન ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી રાજ્યના ચમોલી જિલ્લામાં ભયાનક સ્થિતિ ઊભી થઈ છે. ટિહરી-ગઢવાલ-દહેરાદૂન બોર્ડર પર તો ભૂસ્ખલનથી ૧૦૦ મીટર લાંબું અને પ૦ મીટર ઊંડું તળાવ બની ગયું છે. સ્થાનિક તંત્રએ કાર્યવાહી શરૂ કરીને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને તેમનાં ઘર ખાલી કરીને સલામત સ્થળે ખસેડ્યા છે.

ઉત્તરાખંડમાં સતત ભૂસ્ખલન અને પાણી ભરાવાના કારણે લોકો મુસીબતમાં મુકાયા છે. સતત વરસી રહેલા વરસાદમાં અનેક મકાનો અને દુકાનો તણાઈ ગયાં છે.

આ બધો કાટમાળ રસ્તા પર આવી જતાં વાહનવ્યવહાર પણ બંધ થઈ ગયો છે અને હાલ રસ્તા ખુલ્લા કરવાની કાર્યવાહી પુરઝડપે ચાલી રહી છે.

ટિહરી-ગઢવાલ-દહેરાદૂન બોર્ડર પર સ્થિતિ સૌથી વધુ ખરાબ બની છે. લોકોને ભૂસ્ખલનથી બનેલા તળાવથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે. સ્થાનિક લોકોએ સરકાર પાસે પુનર્વસનની માગણી કરી છે.

લોકોનું કહેવું છે કે જો સરકારે તાત્કાલિક તેમને કોઈ મદદ ન કરી અને પગલાં ન ભર્યાં તો તેમની સ્થિતિ ખૂબ કફોડી બનશે.

હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરનાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આ આગાહી બાદ તંત્રએ એલર્ટ જારી કરીને સરકારી અધિકારીઓને સજાગ રહેવા સૂચના આપી છે.

હવામાન વિભાગે પૂર્વ અને મધ્ય ભારતની સાથે-સાથે પૂર્વોત્તરનાં કેટલાંક રાજ્ય, યુપી અને દક્ષિણ તામિલનાડુમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છૂટોછવાયો વરસાદ થવાની પણ સંભાવના છે.

You might also like