Online અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવાની સુવિધા આપશે રેલવે

નવી દિલ્હી: ટ્રેનમાં અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવા માટે ભારતીય રેલવેએ એક નવી મોબાઇલ એપ લોન્ચ કરી છે. સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ (ક્રિસ) તરફથી બનાવાયેલી આ એપનું નામ ‘utsonmobile’ છે. તેના દ્વારા યાત્રીઓ મોબાઇલમાંથી જનરલ ટિકિટ ઉપરાંત પ્લેટફોર્મ ટિકિટ પણ ઓનલાઇન બુક કરાવી શકે છે.

આ સુવિધાઓ ઉપરાંત આ એપથી સિઝન ટિકિટનું રિન્યુઅલ અને રેલવે વોલેટમાં બેલેન્સ પણ નાખી શકાય છે. રેલવે એ આર‌િક્ષત ટિકિટ બુક કરવા માટે ‘રેલ કનેકટ’ નામની એપ જાન્યુઆરી ર૦૧૭માં રિલોન્ચ કરી હતી. યાત્રીઓને અનરિઝર્વ્ડ ટિકિટ માત્ર રેલવે કાઉન્ટરમાં ગયા પછી મળતી હતી.

મોબાઇલ એપના ઉપયોગ માટે રજિસ્ટ્રેશન જરૂરી
રેલવેએ હજુ આ મોબાઇલ એપને એન્ડ્રોઇડ અને વિન્ડો ફોન યુઝર્સ માટે લોન્ચ કરી છે. તેને ગૂૂગલ પ્લે સ્ટોર અને વિન્ડો સ્ટોરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. એપને ડાઉનલોડ કર્યા બાદ તેમાં ઉપયોગ કરવા માટે યુઝર્સે તેમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે યુઝરે એપમાં પોતાનું નામ, મોબાઇલ નંબર, શહેર, ટિકિટનો પ્રકાર, યાત્રીઓની સંખ્યા અને મોટા ભાગે કયા માર્ગ પર સફર કરે છે તે જણાવવું પડશે.

યાત્રીઓને ફ્રીમાં મોબાઇલ વોલેટની સુવિધા
રજિસ્ટ્રેશન થયા બાદ એપ પર રેલવે વોલેટ કોઇ પણ ચાર્જ વગર શરૂ થઇ જશે. યુઝર્સ પાસેથી તેનો કોઇ ચાર્જ નહીં લેવાય. વોલેટમાં પૈસા રાખીને યાત્રી ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વગર ટિકિટ બુક કરાવી શકે છે. સાથે તેને રિચાર્જ કરાવવાની સુવિધા રેલવે સ્ટેશનના અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર અને વેબસાઇટ પર આપવામાં આવી છે.

આ એપને અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ માટે બનાવાઇ છે તેથી તેમાં એડવાન્સ બુકિંગનો વિકલ્પ અપાયો નથી. આ એપના કારણે ટિકિટ મોબાઇલ પર જ રાખી શકાશે અને કાગળની ટિકિટ સાચવવી નહીં પડે.

You might also like