IPL: ઇન્દોરમાં રાહુલની શાનદાર ઇનિંગ્સ, પંજાબની છ વિકેટે રાજસ્થાન સામે જીત

કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર જીત મેળવી છે. પોતાના બીજા હોમ ગ્રાઉન્ડ ઇન્દોરના હોલ્કર મેદાનમાં રમાયેલી મેચમાં યજમાન પંજાબે રાજસ્થાનને કેએલ રાહુલની શાનદાર અડધી સદીની મદદથી છ વિકેટે પરાજય આપ્યો છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલ રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે જીત માટે 153 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે 18.4 ઓવરમાં 155 રન બનાવી રાજસ્થાન સામે જીત મેળવી હતી.

આ જીત સાથે પંજાબની ટીમના 9 મેચમાંથી છ જીત સાથે 12 પોઇન્ટ થયા છે. જેના કારણે પંજાબની ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સનો 9 મેચમાં છઠ્ઠી મેચમાં પરાજય થો છે અને ટીમ છ પોઇન્ટ સાથે છેલ્લા નંબર પર પહોંચી ગઇ છે.

લોકેશ રાહુલની અડધી સદીની મદદતી કિંગ્સ ઇલેવન પંજાબે પ્લે ઓફમાં જગ્યા બનાવા માટે પોતાનો દાવો મજબૂત કરી લીધો છે. રાહુલે 54 બોલમાં ત્રણ સિકસર અને સાત બાઉન્ડ્રીની મદદથી 84 રન બનાવ્યા છે. કેએલ રાહુલની આ કેરિયર બેસ્ટ ઇનિંગ્સ હતી.

રાહુલે કરૂણ નાયર 31 રન સાથે ત્રીજી વિકેટ માટે 50 રન જ્યારે સ્ટોઇનિસ સાથે પાંચમી વિકેટ માટે 68 રનની ભાગીદારી નોંધાવી હતી. માર્કસ સ્ટોઇનિસે 16 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા જેમાં બે બાઉન્ડ્રી તેમજ એક સિકસર ફટકારી હતી. લક્ષ્યનો પીછો કરી રહેલી પંજાબ ટીમની શરૂઆત સારી રહી નહોતી.

પંજાબની ટીમે પાવર પ્લેમાં બે વિકેટ પર34 રન બનાવ્યા હતા. પંજાબની ટીમને જીત માટે અંતિમ 5 ઓવરમાં 51 રન બનાવાના હતા. રાહુલે ઇનિંગ્સની 18મી ઉનડકટની ઓવરમાં સિકસર અને બાઉન્ડ્રી મારી બોલ અને રન વચ્ચેના અંતરને ઘટાડી દીધુ હતુ.

આ અગાઉ ટોસ હારીને બેટિંગમાં ઉતરેલી રાજસ્થાનની ટીમે 20 ઓવરામં 9 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી જોસ બટલરે 39 બોલમાં સાત બાઉન્ડ્રીની મદદથી સૌથી વધુ 51 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે સંજૂ સેમસને 23 બોલમાં બે બાઉન્ડ્રી અને એક સિકસરની મદદથી 28 રન બનાવ્યા હતા.

You might also like