IPLની સાથે આજથી સટ્ટાની મોસમઃ કરોડોની ઊથલપાથલ થશે

અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લિગ (આઇપીએલ)- ૧૧નો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે તેને લઇને ક્રિકેટપ્રેમીઓમાં જ નહીં પરંતુ સટ્ટાબજારોમાં પણ તહેવાર જેવો માહોલ સર્જાયો છે. આઇપીએલ-૧૦માં ચેમ્પિયન બનેલી મુંબઇ ઇન્ડિયન્સ અને બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે આજે મુકાબલો છે.

આ મેચમાં સટોડિયાઓ માટે હોટ ફેવરિટ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ છે ત્યારે આઇપીએલમાં સૌથી હોટ ફેવરિટ ટીમ રોયલ ચેલેન્જર બેંગલોર્સ છે. ૨૭ મે સુધી યોજાનાર આઇપીએલ-૧૧ની ૬૦ મેચ દરમિયાન હજારો કરોડ રૂપિયાનો સટ્ટો અમદાવાદમાં રમાય તેવી શક્યતાઓ છે. જ્યારે સટોડિયાઓનો રોકવા માટે પોલીસે કમર કસી છે અને તેમના બાતમીદારોને પણ એક્ટિવ કર્યા છે. પોલીસનાં અનુમાન પ્રમાણે આ વખતે આઇપીએલ મેચમાં સટ્ટો મોબાઇલ એપ્લિકેશનથી રમવામાં આવશે.

ક્રિકેટમાં સટ્ટો રમાડતા બુકીઓ અને સટ્ટો લગાવતા સટોડિયાઓ માટે આઇપીએલ એક તહેવાર છે, જેમાં તેઓ દિલ ખોલીને ક્રિકેટનો સટ્ટો રમતા હોય છે. ક્રિકેટમાં માત્ર હાર-જીત નહીં પરંતુ એક ઓવરમાં કેટલા રન થશે, કયો ખેલાડી સૌથી વધારે રન મારશે, કયો ખેલાડી ફ્લોપ જશે, બોલર કેટલી વિકેટ લેશે, સિક્સર અને બાઉન્ડ્રી કેટલી ફટકારશે, છ ઓવરમાં કેટલા રન થશે તે મામલે પણ કરોડો રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવશે.

આવા બુકીઓ અને સટોડિયાઓને રોકવા માટે પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. આવનારી ૬૦ મેચ દરમિયાન પોલીસ, ક્રાઇમ બ્રાંચે તેમજ સુરક્ષા એજન્સીઓ, સટ્ટો રમાડતા બુકીઓ અને ખેલીઓ પર વોચ રાખીને તેમના પર લાલ આંખ કરશે.

એક બુકીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યુ છે કે એક અંદાજ પ્રમાણે એક હજાર કરોડ કરતાં વધુનો સટ્ટો અમદાવાદમાં રમાય તેવી શક્યતાઓ છે. મેચની હાર-જીત કરતાં કોણ કેટલા રન મારશે અને કઇ ટીમ કેટલો સ્કોર કરશે તે ઉપર લોકો સટ્ટો વધુ રમશે. બુકીઓએ પોલીસની ધોંસથી બચવા માટે તેમજ આસાનીથી ક્રિકેટ સટ્ટો રમી શકે તે માટે શહેરની આસપાસના હાઇવે પર આવેલી હોટલ ગેસ્ટ હાઉસ બુક કરી દીધાં છે.

ત્યારે કેટલાક બુકીઓએ તો મકાનો પણ ભાડે લઇ લીધાં છે જ્યાં તેઓ સટ્ટો રમાડી શકે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ વખતે બુકીઓ સટ્ટો રમાડવા માટે ડાયમન્ડ અને બિટાક્યુલર નામની મોબાઇલ એપ્લિકેશનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. બિટાક્યુલર અને ડાયમન્ડ એપ્લિકેશનનું હેન્ડલિંગ દુબઇથી કરવામાં આવે છે.

જ્યાં અમદાવાદના બુકીઓને ખાસ પ્રકારનો પાસવર્ડ આપવામાં આવે છે. દુબઇમાં બેઠેલા બુકીઓ આ એપ્લિકેશનમાં મેચમાં કેટલો ભાવ હશે તેની વિગતવાર અપડેટ મોકલશે જેના આધારે અમદાવાદના બુકીઓ ખેલીઓને ભાવ આપશે.

બુકીના જણાવ્યા અનુસાર આઇપીએલ ૧૧માં સૌથી હોટ ફેવરિટ ટીમ રોયલ ચેલેન્જર બેંગલોર્સ છે જેનો ભાવ ૪.૮ પૈસા હાલ બજારમાં આવ્યો છે ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ પર આઠ રૂપિયા ભાવ આવ્યો છે. મેચની હાર-જીતના આધારે બુકીઓના ભાવ બદલાય છે.

આજે રાતે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો છે જેમાં હોટ ફેવરિટ ટીમે મુંબઇ ઇન્ડિયન્સ છે બુકીઓએ તેના પર સાત પૈસા ભાવ મૂક્યો છે. જો કોઇ ખેલી મુંબઇ ઇન્ડિયન્સની જીત પર ૧૦ હજાર રૂપિયા લગાવે અને તે ટીમ જીતી જાય તો ખેલીને સાત હજાર રૂપિયા મળશે.

જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ મેચમાં સાત હજાર રૂપિયા લગાવે તો તેને ૧૦ હજાર રૂપિયા મળશે. જોકે ૨૦-૨૦ એવી ફોર્મેટ છે જેમાં કયારે કઇ ટીમ ફાવી જાય તેની આગાહી કરવામાં અનેક ક્રિકેટ પંડિતો પણ થાપ ખાઇ જાય છે આમ આગામી દિવસમાં ફેવરિટ ટીમનાં સમીકરણોમાં વધુ ઊથલપાથલ જોવા મળશે.

You might also like