Categories: India

વિધાનસભા અને સંસદમાં પ્રશ્ન પૂછવાના અધિકારનો દુરુપયોગ

ભારત દેશના પંચસ્તરીય લોકશાહી ઢાંચામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વિધાનસભા અને સંસદમાં ચૂંટાયેલા સભ્યોને અનેક અધિકારો મળે છે. તેમાં સહુથી મહત્ત્વનો અધિકાર પ્રશ્નો પૂછવાનો છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે જે તે એકમના વહીવટીય, નિયમો સંબંધી તથા નિર્ણયો અંગે સભ્ય પ્રશ્ન પૂછીને વિગતો પ્રાપ્ત કરી શકે છે. સભ્યએ પૂછેલા પ્રશ્નનો વહીવટીતંત્ર શાસક તરફથી મળેલો જવાબ એ પબ્લિક ડોક્યુમેન્ટ બની જાય છે.

પ્રશ્ન પૂછવાના આ મહત્ત્વના અધિકારનો સભ્યો દ્વારા વ્યાપક ઉપયોગ થાય છે. સભ્યોની સક્રિયતાના માપદંડમાં તેમણે પૂછેલા પ્રશ્નો એ મહત્ત્વનો માપદંડ છે.

પ્રશ્નો પૂછવાનો અધિકાર અને તેના સાચા જવાબ આપવાની તંત્ર પરની જવાબદારી પ્રજાના અટવાયેલા પ્રશ્નો માટે મહત્ત્વના છે. ગુજરાત વિધાનસભામાં રપ વર્ષના રિપોર્ટિંગ દરમ્યાન આવા અનેક અનુભવો થયા છે. વિધવા પેન્શન, કર્મચારીનાં પેન્શન, પગાર, સ્કૉલરશિપ વગેરેમાં જ્યારે જવાબદાર અધિકારી રૂપિયાની લાલચમાં ફાઈલ આગળ વધવા દેતા ન હોય અને ધારાસભ્ય પ્રશ્ન પૂછે એટલે તત્કાળ ચૂકવણાં કરવાં પડે છે, કારણ કે ગૃહમાં જવાબ મંત્રીએ આપવાનો હોય છે.

ચૂંટાયેલા સભ્યને સરકાર અને તંત્ર પાસે વિગતો માગવાના આ અધિકારથી તંત્ર સજાગ રહે, ગેરરીતિ અટકે વગેરે ઉદ્દેશો છે અને તેનાં સારાં પરિણામો પણ જોવા મળે છે. દેશમાં વ્યાપકપણે ફેલાયેલા ભ્રષ્ટાચારની બદીમાં સરકારી તંત્ર રૂપિયા વિના કામ ન કરવાની માનસિકતા ધરાવે છે. જેથી ઘણી વાર નિવૃત્ત થતા કર્મચારીઓ, શિક્ષકો વગેરેનું પેન્શન અને લાભ રૂપિયા ન આવવાથી અટકે છે. વિધવા પેન્શન, સ્કૉલરશિપ કે કોઈ કોન્ટ્રાક્ટરને કામ પૂરું કર્યા પછીનાં ફાઈનલ બિલ અટકેલાં હોય તો પ્રશ્ન પુછાતા જ ચૂકવણું થઈ જાય છે.

પ્રજાહિતમાં જ નહીં, ઉદ્યોગપતિના હિતમાં પણ પ્રશ્નો પુછાય છે
છેલ્લા બે દશકામાં વિધાનસભા, લોકસભા તથા પાલિકાઓની ચૂંટણીઓ અતિ ખર્ચાળ થતી જાય છે. આર્થિક સંપન્ન વ્યક્તિ જ ચૂંટણી લડી શકે એવી સ્થિતિ જોવા મળે છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારો આર્થિક રીતે સંપન્ન હોવા છતાં ચૂંટણીનો ખર્ચ ચૂંટણીફંડ ઉઘરાવીને તેમાંથી જ કરવાની માનસિકતા ધરાવતાં હોય છે.

ઉમેદવારો પોતાના મતવિસ્તારના ઉદ્યોગો-કારખાનાંમાં સહુ પ્રથમ સંપર્ક કરીને મહત્તમ ફંડ એકત્ર કરે છે. ત્યારબાદ પોતાના વતનના જે ઉદ્યોગપતિઓ સુરત-મુંબઈમાં સ્થાયી થયા હોય છે, તેમનો સંપર્ક કરે છે. ઉદ્યોગકારો પણ કોઈ પક્ષને નારાજ કરતાં નથી. શાસક પક્ષને વધુ અને વિપક્ષને ઓછું પણ ફંડ તો આપે જ છે.

ચૂંટાયેલા સભ્યો કોર્પોરેટ હાઉસ કે ઉદ્યોગને ફાયદો થાય તેવા પ્રશ્નો પૂછે જ છે, પરંતુ કેટલાક હોશિયાર-બુદ્ધિશાળી અને કાયદાના અભ્યાસુઓ જે તે કોર્પોરેટ હાઉસ કે ઔદ્યોગિક એકમમાં ખોટું શું થઈ રહ્યું છે તેની માહિતી એકત્ર કરી, પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્ન પુછાયા બાદ જે તે ઉદ્યોગના પી.આર.ઓ.નો સંપર્ક કરે છે અને ગોઠવણ થાય તો પ્રશ્ન રદ કરાવે છે અથવા પ્રશ્ન જે દિવસે ગૃહમાં રજૂ થવાનો હોય તે દિવસે પ્રશ્નોત્તરીના સમયે આ સભ્ય ગેરહાજર રહે છે. જેથી પ્રશ્ન મૂવ થાય નહીં અને અન્ય સભ્યો પૂરક પ્રશ્નો પૂછી શકે નહીં.

ગુજરાતમાં કેટલાક પૂર્વ અને વર્તમાન શાસક અને વિપક્ષના સભ્યોની આ મોડસ ઓપરેન્ડી મીડિયાના મિત્રો અને તેમના પક્ષના સભ્યો જાણી ચૂક્યા હોવા છતાં નાણાકીય ગોઠવણના કોઈ પુરાવા ન હોવાથી કોઈ તેનો ઉલ્લેખ કરી શકતા નથી, પરંતુ આવા સભ્યોની આર્થિક ઉન્નતિ સૌ કોઈ જોઈ શકતા હોય છે.

સંસદમાં પ્રશ્નોનું કૌભાંડ વધુ માત્રામાં
ઉદ્યોગપતિઓને સહુથી વધુ કેન્દ્રના કાયદાઓ નડતર રૂપ લાગતા હોય છે. ખાસ કરીને આયાત-જકાત, નિકાસ જકાત, કેન્દ્રીય આબકારી જકાત, લેબર લૉ, વન અને પર્યાવરણ, ખાણ અને ખનીજ-રૉયલ્ટી, આ તમામ કાયદાઓમાંથી છૂટછાટ ન મળે તો ચોરી કરવામાં આવતી હોય છે. જો થોડી પણ બારી ખુલ્લી થાય તો બહુ મોટો ફાયદો મેળવી શકાતો હોય છે. આ માટે સંસદસભ્યો કામમાં આવે છે. લોકસભા-રાજ્યસભામાં વિવિધ માધ્યમથી પ્રશ્નો પુછાવીને પ્રજાના હિતની વાત કરી, કોર્પોરેટ હાઉસને ફાયદો કરાવવાની રીતરસમો અજમાવાય છે.

લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં જ કોર્પોરેટ હાઉસનું પી.આર. ડિપાર્ટમેન્ટ કામે લાગી જાય છે. જે તે રાજ્યમાંથી ચૂંટાઈ આવેલા સભ્યો પૈકી કોને વધુ નાણાંની જરૂર છે ? કોણ આક્રમકતાથી પ્રશ્નો રજૂ કરી શકશે, વગેરે ધોરણોના આધારે સભ્યોની પસંદગી કરે છે.

પ્રથમ વાર ચૂંટાઈને દિલ્હી પહોંચે તે સાથે જ કોર્પોરેટ હાઉસની ગાડી તેમની સેવામાં હાજર હોય છે. થોડા દિવસો-મહિના તો માત્ર સંસદસભ્યની સેવા જ કરવામાં આવે છે. સભ્ય જે તે પી.આર.ઓ. સાથે થોડી લાગણીથી જોડાતા જ બોસ સાથે મુલાકાત ગોઠવી આપે છે. ફાઈવસ્ટાર હોટલમાં ડિનર પાર્ટી યોજીને કંઈ પણ કામકાજ હોય તો મૂંઝાતા નહીં એવું આશ્વાસન બોસ દ્વારા આવ્યા પછી પી.આર.ઓ. જ તેમના સંપર્કમાં રહે છે અને જ્યારે જેવી જરૂર હોય તે મુજબ સંસદસભ્યનો ઉપયોગ કરે છે.

સાંસદો કરોડપતિમાંથી કરોડોપતિ કેવી રીતે બને છે?
વર્તમાન સ્થિતિમાં કોઈ પણ સંસદસભ્ય એક પણ રૂપિયો કોઈ પાસેથી ન લે તો પણ પગાર અને ભથ્થાં દ્વારા કરોડપતિ થઈ શકે છે. સાંસદ તરીકેના પગારભથ્થાં ઉપરાંત બેથી ત્રણ કમિટીના સભ્ય તરીકે મળતાં ભથ્થાં પણ તગડાં હોય છે. અન્ય લાભોના કારણે તેમણે ખર્ચ કરવાનો રહેતો જ નથી.

પરંતુ આપણે જોઈએ છીએ કે એક વાર સંસદસભ્ય થયા પછી સામાન્ય કાર્યકર પણ ગાડીઓ-બંગલા, પેટ્રોલપંપ, ઉદ્યોગ કે બિલ્ડર બની જતાં હોય છે. આ આવકનો પ્રવાહ કોઈ જોઈ શકતું નથી પણ પ્રવાહ તેજીલો હોય છે તે અનુભવી શકાય છે.

આપણને દિલ્હીમાં શું ચાલી રહ્યું છે તેની જાણ ઓછી હોય છે, પરંતુ દિલ્હીની પંચતારક હોટલોમાં દર સપ્તાહે કોઈ ને કોઈ કોર્પોરેટ હાઉસ તરફથી ડિનર પાર્ટીનું આયોજન થતું હોય છે. તેમના પી.આર.ઓ. ચાલાક હોય છે. ગુજરાતના એમ.પી. સાથે દક્ષિણ ભારત, પ.બંગાળ, પૂર્વાંચલના એમ.પી.ને બોલાવે છે. આવી પાર્ટીમાં ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો જ મીડિયામાં સમાચાર આવતા હોય છે.

M.P.ના P.A. નિમણૂકમાં કમાઈ લે!
દરેક સાંસદના દિલ્હી ખાતે એક પી.એ. હોય છે. સરકાર તેને પગાર આપે છે. તેમને રહેવા માટેની વ્યવસ્થા પણ બંગલામાં હોય છે. સંસદસભ્ય તરીકેનો સરકાર સાથેનો પત્રવ્યવહાર, પ્રશ્નો રજૂ કરવા તથા પક્ષના અને મતવિસ્તારના આગેવાનો આવે તો તેમને સાચવી લેવા કે સંપર્કો રાખવાની કામગીરી તેઓ બજાવે છે. સાથેસાથે સાંસદને જેમની સાથે સંબંધો હોય છે એવા ઉદ્યોગકારો, બિલ્ડરો કે મોટા વેપારીઓને જ્યારે કોઈ મિનિસ્ટરને મળવું જરૂરી બને, ત્યારે તેમની એપોઈન્ટમેન્ટ ફિક્સ કરી આપવાનું કામ પણ M.P.ના P.A. કરતાં હોય છે. એપોઈન્ટમેન્ટ મળી જતાં જે તે વ્યક્તિ પી.એ.ને પાંચથી ૧૦ હજારનું કવર આપીને જતાં હોય છે. ક્યારેક કોઈ કંજૂસ એમ.પી. આ કવર પણ પોતે જ લઈ લેતા હોવાના કિસ્સા આવા પી.એ. પાસેથી સાંભળવા મળ્યા છે. સાંસદો પોતાની કામગીરી અંગેની પુસ્તિકા તૈયાર કરાવે છે. આ પુસ્તિકામાં પ્રજાલક્ષી સવાલોનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. બીજા ઘણાં પ્રશ્નોનો ઉલ્લેખ ટાળવામાં આવે છે.

હવે તો ઉદ્યોગપતિ પોતાની વ્યક્તિને સાંસદ બનાવે છે
કોર્પોરેટ હાઉસો પણ હવે સક્રિય રાજકારણમાં ઘેરાઈ ગયાં છે. ગુજરાતમાં આપણે એવી ચર્ચા સાંભળીએ છીએ કે આ વ્યક્તિને કોર્પોરેટ હાઉસની ભલામણથી ટિકિટ મળી છે. મંત્રીમંડળમાં સમાવેશ માટે પણ મુખ્યમંત્રીએ કોર્પોરેટ હાઉસની ભલામણ ધ્યાને લેવી પડતી હોય છે. આ દેશની લોકશાહીને ચારે બાજુએથી લૂણો લાગ્યો છે. ‘દેશ બદલ રહા હૈ.’ આપણે તો દાળ-રોટીની ચિંતામાં જ જીવન વિતાવવાનું છે.

જનક પુરોહિત

divyesh

Recent Posts

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

1 hour ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

2 hours ago

“PM મોદી પાસે માત્ર 50 હજારની રોકડ રકમ”: PMO

ન્યૂ દિલ્હીઃ દેશને ડિજિટલ બેંકિંગ અને ચૂકવણી માટે ડિજિટલ ઉપયોગને માટે પ્રોત્સાહિત કરવાવાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની અર્થવ્યવસ્થાને ઓછી રકમવાળી…

3 hours ago

તમારા પાર્ટનર સામે ક્યારેય ભૂલથી પણ ન કરો આ 4 વાત, નહીં તો…

વિશ્વાસ અને ઇમાનદારીની છાપ પર જ હંમેશા સંબંધો જળવાઇ રહેતા હોય છે અને આ જ હકીકત છે. પરંતુ જો આપની…

4 hours ago

ITની નોટિસ કયા અધિકારીએ મોકલી તે કરદાતા જાણી શકશે નહીં

અમદાવાદ: આવકવેરા વિભાગ ૧ ઓક્ટોબરથી કરદાતાની ઈ-એસેસમેન્ટ સિસ્ટમમાં હવે ધરખમ ફેરફાર કરવા જઈ રહ્યો છે અને તે મુજબ હવે કરદાતાને…

4 hours ago

આપનો મોબાઇલ ફોન આપને બનાવી શકે છે બહેરા અને નપુંસક

ઘણાં લાંબા સમય સુધી મોબાઇલ ફોનનાં ઉપયોગથી શરીરમાં બીમારીઓ પેદા કરવાવાળા જૈવિક ફેરફાર થઇ શકે છે. એમ્સ અને ઇન્ડીયન કાઉન્સીલ…

4 hours ago