પુષ્ટિમાર્ગમાં પવિત્ર સ્વરૂપઃ શ્રીનાથજી

શ્રીનાથજી એટલે ઐશ્વર્યના સ્વામી. તેઓ નાથદ્વારામાં સ્થિત છે. તે પુષ્ટિમાર્ગનું અત્યંત મહત્ત્વ ધરાવતું સ્વરૂપ છે. તે સાત વર્ષની ઉંમરના કૃષ્ણનું સ્વરૂપ છે. તેમણે ડાબા હાથમાં મસ્તકની ઉપર ગોવર્ધન પર્વત ઊંચકેલો છે, જ્યારે જમણો હાથ કમર ઉપર વીંટળાયેલો છે. આ સ્વરૂપ ૧.૩૭ મીટર ઊંચું અને
સમચોરસ આકારમાં ગોઠવેલું છે. પાછળના ભાગમાં પવિત્ર ગોવર્ધન પર્વત છે. હકીકતમાં સમગ્ર પીઠિકા ગોવર્ધન પર્વતનું સ્વરૂપ જ સૂચવે છે.
પીઠિકાની ઉપર મધ્યમાં ડાબી બાજુએ એક મુનિ પોપટ લઈને બેઠા છે. શ્રીનાથજીના ડાબા હાથની પાસે બે મુનિ ધ્યાનસ્થ મુદ્રામાં જોઈ શકાય છે. તેમની નીચે એક સાપ ફેણ ફેલાવીને ઊભો છે. જ્યારે અન્ય એક આકૃતિ સિંહની છે. તે નૃસિંહજીનું પ્રતીક છે. તેની નીચે બે મોર છે. આ ઉપરાંત ડાબી બાજુએ મુનિની નીચે એક ઘેટું, એક સાપ અને બે ગાય છે, જેઓ ગોવર્ધન પર્વતના રહેવાસી છે. તેઓ શ્રીનાથજીને આદરપૂર્વક જુએ છે. આ આકૃતિઓ અંગે સંખ્યાબંધ ખુલાસાઓ થયેલા છે. વિદ્વાનોમાં આ અંગે મતમતાંતર પણ છે.
જાણીતા કળાનિષ્ણાત આનંદકુમાર સ્વામીના મત પ્રમાણે આ સ્વરૂપ કુશાન સમયનું છે. જ્યારે રોબર્ટ સ્કેલ્ટનના અભિપ્રાય પ્રમાણે આ સ્વરૂપ રાજસ્થાની તેમજ સોળમી અને સત્તરમી સદીનું છે. જ્યારે નાથદ્વારાના તિલકાયત રહેલા સ્વ. ગોવિંદલાલજીના જણાવ્યા પ્રમાણે લાલાશ પડતું કાળું ઘનસ્વરૂપ અને ગોવર્ધન પર્વતના ખડક જેવું જ છે. સંપ્રદાયનો ઇતિહાસ જોતાં માલુમ પડે છે કે આ સ્વરૂપ મથુરા રાજ્યના ઉદ્ભવ પામેલું છે. પ્રતિમા વિજ્ઞાન પ્રમાણે મથુરા મ્યુઝિયમમાં આવેલી સત્તરમા સૌકાની કૃષ્ણની પ્રતિમાને આ સ્વરૂપ મળતું આવે છે. આ પ્રતિમા ગુપ્ત સમયની પ્રતિમાનું નિખારેલું સ્વરૂપ છે તેવો પણ એક મત છે.
પુષ્ટિ સંપ્રદાયમાં લોકપ્રિય થયેલી દંતકથા પ્રમાણે શ્રીનાથજીની ઉર્ધ્વ વામ ભુજાનું પ્રાગટ્ય શ્રવણ નક્ષત્રમાં જુલાઈ ૨૦, ૧૪૧૦ને રવિવારે ગોવર્ધન પર્વતની કંદરામાં થયું હતું. ૧૭ દિવસ સુધી શ્રીનાથજીના પ્રાગટ્યની કોઈને ખબર પડી ન હતી. ઓગસ્ટ ૬, ૧૪૧૦ (શ્રાવણ સુદ પાંચમ)ને દિવસે વામ ભુજાના સમૂહ દર્શન થયાં. તે સાપનું દૈવી તત્ત્વ હોય તેવી તેની પૂજા થતી. વ્રજવાસીઓ પ્રતિમાને દૂધ અર્પણ કરતા. તેમના મુખનાં દર્શન ૬૯ વર્ષ પછી ઈ.સ. ૧૪૭૮માં થયાં. આ જ સમયે શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો જન્મ થયો હતો. યોગાનુયોગ એ જ દિવસે અષ્ટસખામાંના એક શ્રી સુરદાસજીનો જન્મ થયો હતો. શ્રી વલ્લભાચાર્યજીના શિક્ષક રહેલા વારાસણીના માધવેન્દ્ર યતિએ નાની ઝૂંપડી બનાવીને આ પ્રતિમાનું સ્થાપન કર્યું અને સાદી રીતે પૂજાની શરૂઆત કરી.
ઈ.સ. ૧૪૯૩માં શ્રી વલ્લભાચાર્યજી તેમના બે શિષ્યો કૃષ્ણદાસ મેઘન અને દામોદરદાસ હરસાની સાથે ગોવર્ધન પર્વત પર આવી પહોંચ્યા. તેમની આ મુલાકાત અકસ્માત ન હતી, પરંતુ મારવાડમાં આવેલા ઝારખંડમાં તેમને મળેલી દૈવી સૂચનના ભાગરૂપે હતી.
એમ કહેવાય છે કે તેમને દૈવી અવાજ સંભળાયો હતો, જેમાં ગોવર્ધન પર્વત પર જવાની તેમને સૂચના
આપવામાં આવી હતી. તેઓ અચાનક ઊંડી નિદ્રામાંથી જાગી ગયા અને શ્રીનાથજીને તેમની સન્મુખ જોયા. ભગવાને તેમને પ્રભુભક્તિની ખોજમાં નીકળેલા તમામ સાચા ભક્તોને નામસ્મરણ કરવાની સૂચના આપી. શ્રી વલ્લભાચાર્યે પવિત્રાં ધરાવી તેમનું સ્વાગત કર્યું. ભગવાનને તેમણે ઉપરણો અને મિસરી ધર્યાં, જે તેમણે બીજા દિવસે પૂજા માટે અલગ રાખ્યાં હતાં. શ્રીનાથજી ત્યાર બાદ અદૃશ્ય થઈ થયા.

You might also like