PSU બેન્કોમાં ૧.૨૧ લાખ કરોડ રૂપિયા ફસાયા

મુંબઇ: જાહેર ક્ષેત્રની બેન્કોમાં ૧.૨૧ લાખ કરોડ રૂપિયા કે જે લોન સ્વરૂપે અપાયેલા હતા તે ફસાયેલા છે. નાણાપ્રધાને રાજ્યસભામાં માહિતી આપતાં જણાવ્યું કે દેશમાં વિલફૂલ ડિફોલ્ટર્સ પાસે જાહેર ક્ષેત્રની બેન્કોના રૂ. ૬૬,૧૯૦ કરોડ ફસાયા છે, જેમાં સૌથી વધુ વિલફૂલ ડિફોલ્ટર્સ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના છે. આ ડિફોલ્ટર્સ પાસે બેન્કના રૂ. ૧૧,૭૦૦ કરોડ ફસાયા છે, જ્યારે એસબીઆઇની સહયોગી બેન્કો પાસે રૂ. ૧૮,૭૦૦ કરોડ ફસાયા છે. આ આંકડા ૩૧ ડિસેમ્બર, ૨૦૧૫ સુધીના છે.
નાણાપ્રધાને વધુમાં જણાવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટીલ, ટેક્સટાઇલ જેવાં સેક્ટર છેલ્લાં કેટલાય સમયથી આર્થિક મુશ્કેલીમાં સપડાયાં છે અને તેને કારણે આ સેક્ટર લોન પાછી વાળવામાં સૌથી વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેના કારણે આ સેક્ટરમાંથી એનપીએના કિસ્સા સૌથી વધુ બહાર આવી રહ્યા છે. પરિસ્થિતિમાં સુધારો થતાં એનપીએમાં ઘટાડો થવાની આશા છે.

એસબીઆઇ બાદ પંજાબ નેશનલ બેન્કના વિલફૂલ ડિફોલ્ટર્સના રૂ. ૧૦,૮૬૯.૭૨ કરોડ ફસાયા છે. નાણાપ્રધાને જણાવ્યા પ્રમાણે વિલફૂલ ડિફોલ્ટર્સની સંખ્યા પાછલાં ત્રણ વર્ષમાં વધી છે. ડિસેમ્બર ૨૦૧૫માં ૫,૫૫૪થી વધીને ૭,૬૮૬ની સપાટીએ સંખ્યા પહોંચી ગઇ છે.

You might also like