બટાકાના ભાવમાં જોવા મળ્યો ઘટાડો

અમદાવાદ: એક બાજુ ડુંગળીના ભાવમાં તેજીની ચાલ જોવા મળી છે તો બીજી બાજુ બટાકાના ભાવમાં ગાબડાં પડી રહ્યાં છે. પાછલા એક મહિનામાં બટાકાના ભાવમાં હોલસેલ બજારમાં ૨૦ કિલોએ ૨૦થી ૩૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ ચૂક્યો છે. મબલખ ઉત્પાદન તથા કોલ્ડ સ્ટોરેજની વધતી જતી સગવડના પગલે બટાકાના ભાવમાં ઘટાડાની ચાલ નોંધાઇ છે.

સ્થાનિક બજારમાં એ ક્વોલિટીના બટાકાનો ભાવ સાતથી ૧૦ રૂપિયા પ્રતિકિલોની સપાટીએ પહોંચી ગયો છે, જે અગાઉ ૧૦થી ૧૨ રૂપિયા જોવા મળી રહ્યો હતો. આગામી જાન્યુઆરીમાં નવી આવક આવે તે પૂર્વે સપ્લાય વધતાં બટાકાના ભાવમાં હજુ વધુ ઘટાડો થાય તેવી શક્યતા સ્થાનિક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે. પંજાબ-આગ્રા બાજુથી આવતા બટાકાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ વિસ્તારમાં મબલખ આવકના પગલે માર્કેટયાર્ડમાં આવક જારી રહેતાં ભાવ તૂટ્યા છે.

You might also like