કાલુપુર પોલીસે કાર્યવાહી ન કરી તો IPSને ટ્વિટ કર્યું અને ગણતરીના કલાકમાં સમસ્યા ઉકેલાઈ !

અમદાવાદ, બુધવાર
અસામાજિક તત્વોનો ત્રાસ અથવા તો કોઈ જગ્યાએ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તો કોઈપણ નાગરિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકે છે તેવું ગુજરાત પોલીસ વારંવાર જાહેરાત કરે છે પરંતુ જયારે નાગરિક પોલીસ સ્ટેશનમાં આવી અરજી આપે છે ત્યારે તેને બાજુમાં મૂકી દેવામાં આવે છે.

અરજી પર કાર્યવાહી ન થતા ઉચ્ચ અધિકારીઓના ધ્યાને બાબત મુકયા બાદ કર્યવાહી થાય છે. રિલીફ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરવા છતાં કોઈ કર્યવાહી કરવામાં આવી ન હતી.

એક વ્યક્તિએ અરજી અંગે અમદાવાદ શહેર પોલીસના એડમિન વિભાગના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ડો. વિપુલ અગ્રવાલને ટ્વિટ કરતાં તેઓએ તાત્કાલીફ ઝોન-૩ ડીસીપીને આ અંગે જાણ કરી હતી. કાલુપુર પોલીસે ટ્વિટ બાદ તાત્કાલિક આવી ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવી દીધી હતી.

રિલીફ રોડ પર ગુંદીની પોળ પાસે આવેલા સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્સમાં કેટલાંક અસામાજિક-માથાભારે તત્ત્વો કેરોસીનનું બ્લેક માર્કેટિંગ કરતા હોવા અંગે કોમ્પ્લેક્સ એસોસીએસિયેશન દ્વારા કાલુપુર પી.આઈને ઉદ્દેશી પોલીસ સ્ટેશનમાં આવી પ્રવૃત્તિ બંધ કરાવવા માટે અરજી કરી હતી. હજારો લિટર કેરોસીન કોમ્પ્લેક્સ વીજળીના મીટર પાસે મૂકવામાં આવે છે.

જેથી મોટી આગ અને દુર્ઘટનાનો ભય રહે છે. વારંવાર રજૂઆત છતાં આ તત્ત્વો ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા હતા. અરજી આપવા છતાં કાર્યવાહી ન થતાં એક વ્યક્તિએ આ અરજી અંગે અમદાવાદ પોલીસ, અમદાવાદ શહેર પોલીસના એડમિન વિભાગના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ડો. વિપુલ અગ્રવાલને ટ્વિટ કરી દીધું હતું.

ટ્વિટના પગલે વિપુલ અગ્રવાલે આ અંગે તેઓ ઝોન ૩ ડીસીપીને જાણ કરીને જરૂરી પગલાં લેવાં જણાવે છે તેવો વળતો જવાબ આપ્યો હતો. ટ્વિટના ગણતરીના કલાકોમાં જ કાલુપુર પોલીસ કોમ્પ્લેક્સ ખાતે દોડી ગઈ હતી અને ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવી દીધી હતી. ટ્વિટ કરનાર વ્યક્તિએ ડો. વિપુલ અગ્રવાલનાં તાત્કાલિક લીધેલાં પગલાંને બિરદાવી તેમનો આભાર માન્યો હતો.

You might also like