પોલીસ સિમ્બોલવાળી દારૂ ભરેલી કાર-ટ્રક વચ્ચે અકસ્માતઃ એકનું મોતઃ બોટલોની લૂંટ ચલાવાઈ

અમદાવાદ: પાલનપુર-ડીસા હાઈવે પર ગઈકાલે મોડી સાંજે પોલીસના સિમ્બોલવાળી દારૂ ભરેલી કાર અને ટ્રક વચ્ચે ચરોતર પાસે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત થતા કારમાંથી દારૂની બોટલો રોડ પર વિખરાતા અાજુબાજુના લોકોએ બોટલોની રીતસર લૂંટ ચલાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે ગઈકાલે સાંજે સાત વાગ્યાના સુમારે ડીસા-પાલનપુર હાઈવે પર પોલીસના સિમ્બોલવાળી કાર વિદેશી દારૂનો જથ્થો ભરી પાલનપુર તરફ અાવી રહી હતી ત્યારે ચરોતર ગામ પાસે અાવેલી એક હોટલ નજીક ઊભેલી ટ્રક સાથે અા કાર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં બેઠેલ એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે એકને ગંભીર ઈજા થવા પામી હતી. અકસ્માત થતાં જ કારની ડેકી ખુલી જતાં કારમાંથી બિયર અને વિદેશી દારૂની બોટલો રોડ પર વિખરાઈ હતી. ઘટનાની જાણ થતાં અાજુબાજુના લોકો દોડી અાવ્યા હતા અને રોડ પર પડેલી દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અા અકસ્માત બાદ પાલનપુર-ડીસા હાઈવે પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઈ ગયો હતો. પોલીસે અા કાર ક્યાંની છે તે અંગે સઘન તપાસ હાથ ધરી છે.

You might also like