POKના લોકોના શેરીઓમાં  દેખાવોઃ પાક.થી આઝાદી માંગી

નવી દિલ્હી: પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં મોટી સંખ્યામાં લોકો શેરીઓમાં ઉતરી આવ્યા છે અને પાકિસ્તાન વિરુધ્ધ નારેબાજી કરી રહ્યાં છે. ત્યાંના લોકો આઝાદી અને પાયાના અધિકારો માંગી રહ્યાં છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો વિકાસ કામો ન થવાથી ભારે નારાજ છે. લોકો રોજગારી અને પાયાના અધિકારો માટે માંગણી કરતા નજરે પડયા છે. પીઓકેના અનેક વિસ્તારોમાં આ પ્રકારના દેખાવો થયા છે. મુઝફ્ફરાબાદ, ગીલગીત અને કોટલી સહિત અનેક વિસ્તારોમાં ભારે વિરોધપ્રદર્શન બાદ ટેન્શન જોવા મળી રહ્યું છે. એક તરફ પાકિસ્તાન કાશ્મીરમાં ભાગલાવાદી તત્વોને શરણું આપે છે, સીમા પારથી ત્રાસવાદીઓનું ખેપ મોકલી રહ્યુંુ છે અને ભારત ઉપર લોકોની ભાવનાઓને દબાવવાનો આરોપ મૂકે છે તો બીજી તરફ પીઓકેમાં તે લોકોનો અવાજ દબાવી દેવા માંગે છે. હવે પીઓકેના લોકો પાકિસ્તાનના ષડયંત્ર વિરુધ્ધ શેરીઓમાં ઉતરી આવ્યા છે અને પાકિસ્તાન બેનકાબ થઈ ગયું છે.પાકિસ્તાનની બેડીઓમાં જકડાયેલા પીઓકેના લોકો જુલ્મ વિરુધ્ધ શેરીઓમાં ઉતરી આવ્યા છે. ગુલામ કાશ્મીરના લોકો પાક. પોલીસ અને સેના ઉપર પોતાની મા-બહેનોને ઉઠાવીને કેમ્પમાં લઇ જવાના આરોપો મૂકી રહ્યા છે. આ કેમ્પમાં એવા અત્યાચાર થાય છે જે જણાવવા મુશ્કેલ છે. વીડિયો બહાર પડયા છે જેમાં લોકો કહે છે કે, માનવાધિકારનું ઉલ્લંઘન થયું છે અને તેમના ઉપર અત્યાચારો થયા છે. પાક. કબજાગ્રસ્ત કાશ્મીરના લોકોનું કહેવું છે કે, કાશ્મીર કોઇ કાનૂનની નજરથી પાકિસ્તાનનો હિસ્સો નથી. સામે આવેલા વિડિયોમાં કાશ્મીરીઓને પંપાળતા પાકિસ્તાન બેનકાબ થયું છે. દુનિયામાં ભારત વિરુધ્ધ ઝેર ઓકતા પાકિસ્તાનનો બેવડો ચહેરો સામે આવ્યો છે. પાક. કબજાગ્રસ્ત કાશ્મીરમાં યુવાનો પાસે નથી નોકરી કે નથી આગળ વધવાનો રસ્તો, તેઓનું ભવિષ્ય અંધકારમય છે. પાકિસ્તાન તેઓને ભારત વિરુધ્ધ ઉપયોગ કરવા માંગે છે. જેઓ જેહાદમાં સામેલ નથી થતા તેઓને આઇએસઆઇ ઉઠાવીને લઇ જાય અને પછી પત્તો મળતો નથી. પાકિસ્તાન તેઓને ગુલામ બનાવી રાખવા માંગે છે. પીઓકેના લોકો એવું પણ કહે છે કે, પાકિસ્તાન કરતા ભારત સારો દેશ છે. આ વિરોધ પ્રદર્શન અચાનક નથી થયા. દેખાવોમાં લોકો મોટી સંખ્યામાં સામેલ થયા છે. આ દેખાવોને દબાવી દેવા માટે પોલીસ મોજુદ છે.
 
You might also like