PNB કૌભાંડ ઈમ્પેક્ટઃ એક સાથે ૧૮,૦૦૦ કર્મચારીઓની બદલી

નવી દિલ્હી, ગુરુવાર
પંજાબ નેશનલ બેન્કમાં રૂ. ૧૧,૩૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ હવે બેન્ક કર્મચારીઓ પર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ કૌભાંડનો પર્દાફાશ થયાના એક અઠવાડિયામાં જ પંજાબ નેશનલ બેન્કે પોતાના ૧૮,૦૦૦ કર્મચારીઓની બદલી કરી નાખી છે. સાથે સાથે પીએનબીના જીએમ રેન્કના એક મોટા અધિકારીની ધરપકડ પણ કરવામાં આવી છે.

સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)ના આદેશ પર પીએનબીએ ૧૮,૦૦૦ કર્મચારીઓ અને અધિકારીઓની બદલી કરી નાખી છે. આ આદેશથી એક જ બ્રાંચમાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી કામ કરતા અધિકારીઓ અને પાંચ વર્ષ કરતાં વધુ સમયથી કામ કરતા કર્મચારીઓ પ્રભાવિત થયા છે.

પંજાબ નેશનલ બેન્કમાં થયેલા ફ્રોડ બાદ દેશના ૧૫થી ૨૦ ટકા પીએસયુ બેન્ક કર્મચારીઓ ઉપર ટ્રાન્સફરની તલવાર લટકી રહી છે. આગામી એક બે િદવસમાં તમામ બેન્કોએ પોતાના કર્મચારીઓની બદલી કરવાની આખરી યાદી તૈયાર કરી નાંખશે અને પંજાબ નેશનલ બેન્કે તો બદલીના ઓર્ડર પણ ઈસ્યુ કરી દીધા છે. પંજાબ નેશનલ બેન્ક દ્વારા એક ઝાટકે ૧૮,૦૦૦ કર્મચારીઓની બદલી કરી નાંખવામાં આવી છે અને આમ કુલ કર્મચારીઓની સંખ્યાના ૨૫ ટકા કર્મચારીઓની બદલી થઈ ગઈ છે.

પંજાબ નેશનલ બેન્કમાં કુલ ૭૩,૦૦૦ કર્મચારી છે. પીએસયુ બેન્કોમાં કુલ આઠ લાખથી વધુ કર્મચારીઓ છે, જેમાંથી ૧.૫ લાખ કરતા વધુ કર્મચારીઓની બદલી થવાની શક્યતા છે. પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ બહાર આવ્યા બાદ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને તમામ બેન્કોને તેમના કર્મચારીઓની બદલી કરવા આદેશ કર્યો હતો.

ખાસ કરીને જે કર્મચારીઓ એક જ સ્થળે અને એક જ જગ્યા પર ત્રણ વર્ષથી વધુ સમયથી કામ કરતા હોય એવા કર્મચારીઓની બદલી કરવા જણાવવામાં આવ્યું હતું.

પંજાબ નેશનલ બેન્કમાં સાત વર્ષથી ગોટાળા ચાલતા હતા
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. પંજાબ નેશનલ બેન્કમાં સાત વર્ષથી ગોટાળા ચાલતા હતા, પરંતુ આરબીઆઈ અને નાણાં મંત્રાલયને તેની ગંધ સુદ્ધાં આવી ન હતી. બ્લૂમબર્ગમાં છપાયેલા એક રિપોર્ટમાં આ વાત બહાર આવી છે.

You might also like