PNBના ૧૦,૦૦૦ ક્રેડિટ અને ડેબિટકાર્ડ હોલ્ડર્સના ડેટા લીક

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના પગલે હવે એવો પર્દાફાશ થયો છે કે પીએનબીના ૧૦,૦૦૦ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હોલ્ડર્સના ડેટાની લે-વેચ થઈ રહી છે. હોંગકોંગના એક અખબાર એશિયા ટાઈમ્સના રિપોર્ટ અનુસાર સિક્યોરિટી નિષ્ણાતોને એવી ખબર પડી છે કે પીએનબીના કસ્ટમર્સની અત્યંત સંવેદનશીલ જાણકારી છેલ્લા ત્રણ મહિનાથી એક વેબસાઈટ પર લીક કરવામાં આવી રહી છે.

બેન્કને આ જાણકારી બુધવારે અપાઇ હતી. સિંગાપોરની કંપની ક્લાઉડસેક ઈન્ફર્મેશન સિક્યોરિટીનું કહેવું છે કે તેમને ડાર્ક વેબ પર એક એ‍વી વેબસાઈટ મળી છે કે જે ગૂગલ અને બાકીના સર્ચ એન્જિનમાં નોંધાયેલી નથી.

ડેટા લીક હોવાનો આ કેસ એેવા સમયે આવ્યો છે જ્યારે પીએનબી લોન ફ્રોડ કેસનો સામનો કરી રહી છે. ડેટા ટ્રાન્ઝેકશન પર નજર રાખતી કંપની ક્લાઉડસેકના ચીફ ટેકનિકલ ઓફિસર રાહુ શશીએ એશિયા ટાઈમ્સને જણાવ્યું હતું કે અમારો એક પ્રોગ્રામ ડાર્ક વેબ પર નજર રાખે છે જો તેમાં કોઈ ડેટા આવે અને જેના પર અમને શંકા ઊભી થાય તો અમે તેના પર તરત કાર્યવાહી કરીએ છીએ.

You might also like