PM મોદી અને જાપાનના વડા પ્રધાન આજથી બે દિવસ અમદાવાદના મહેમાન

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે આજથી બે દિવસ અમદાવાદના મહેમાન બનવાના છે. બપોરે ર.૩૦ વાગ્યે નરેન્દ્ર મોદી અને ૩.૩૦ વાગ્યે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે તેમના ડેલિગેશન સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે, જેને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ર-૦૦ વાગ્યાથી ૪-૦૦ વચ્ચેની તમામ ફ્લાઇટને ધીમી ગતિએ લે‌ન્ડિંગ કરાવવામાં આવશે. એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા ત્રણ વખત રન-વેને ચેક કરવામાં આવશે. બર્ડ હિટિંગ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

વડા પ્રધાન મોદીનું એરપોર્ટ પર રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સ્વાગત કરશે. ૩.૩૦ વાગ્યે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેનું એરપોર્ટ પર વડા પ્રધાન મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સ્વાગત કરશે. એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના રોડ શોને લઈ બપોરે ૧-૦૦ વાગ્યાથી એરપોર્ટથી ગાંધીઆશ્રમ તરફ જવાના રસ્તા બંધ રાખવામાં આવશે. દિલ્લી ચકલાથી લાલદરવાજા અને નહેરુ‌િબ્રજથી અગાશીએ હોટલનો રસ્તો રાતે મોડી રાત સુધી બંધ રહેશે. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ સીધા તેઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જશે, જ્યાં તેઓ સંવાદ કાર્યક્રમ કરશે. ત્યાંથી લાલદરવાજા સીદી સૈયદની જાળી ખાતે જશે.

એસઆરપી, ક્યુઆરટી, ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, ટ્રાફિક પોલીસ અને ચેતક કમાન્ડોનો કાફલો અને સમગ્ર શહેરની પોલીસને આજ સવારથી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. શહેર પોલીસ, એસપીજી અને જાપાનની સુરક્ષા એજન્સીઓ દ્વારા આજે સવારે પણ તેઓની મુલાકાતનાં સ્થળ અને હયાત હોટલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ તૈયારીઓને બપોર સુધીમાં આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

You might also like